હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નવ નિયુક્ત મંત્રીઓનો સત્કાર સમારંભ વડોદરા સ્થિત ડૉ. બી.આર. આંબેડકર ભવન, અલકાપુરી ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. ડૉ. બી.આર. આંબેડકર ભવન અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત આ સમારંભમાં અનુસૂચિત જાતિ સમાજ સહિત સમગ્ર નગરજનો તરફથી મંત્રીઓના સત્કાર અભિવાદન માટે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (સામાજિક અને ન્યાય અધિકારીતા) ડો. પ્રદ્યુમન વાજા, સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ અને ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ સમાજ તરફથી આ ત્રણેય મંત્રીશ્રીઓને ગુજરાત સરકારમાં મહત્વપૂર્ણ પદ ગ્રહણ કરવા બદલ અને સમાજનું નામ રોશન કરવા બદલ ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સમાજ દ્વારા મળેલા આદર અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પદ અને જવાબદારી સમાજના આશીર્વાદ અને વિશ્વાસનું ફળ છે.
મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં સમાજ સુધારણા અને સમાનતાના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને વિશેષ રૂપે યાદ કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના શિક્ષણ, સંઘર્ષ અને સમાનતાના વારસાને આગળ વધારવો એ જ આપણી ખરી જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણને પ્રગતિનું સર્વોચ્ચ સાધન બનાવી જીવનમાં ઉતારવા માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારની નીતિઓ પર પ્રકાશ પાડતા ડૉ. વાજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ છે. વધુમાં સરકારની તમામ કલ્યાણકારી અને ગરીબલક્ષી યોજનાઓનો લાભ સમાજના પ્રત્યેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આવી ઉદાર યોજનાઓ દ્વારા સમાજને આર્થિક અને શૈક્ષણિક રીતે પુનઃ બેઠો કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલે સન્માન સમારોહની પ્રશંસા કરી ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારનો મૂળભૂત ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, કલ્યાણકારી અને ગરીબલક્ષી યોજનાઓનો લાભ સમાજના પ્રત્યેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી અચૂકપણે પહોંચે. સાથે જ, આવા સન્માન કાર્યક્રમો માત્ર લાભ જ નહીં પરંતુ વધુ સકારાત્મક સમાજ નિર્માણ માટે પ્રેરણાનું સ્રોત પણ બને છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ પણ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આયોજિત આ સન્માન સમારોહને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સામાજિક ન્યાયની સાથે શહેરી વિકાસ સહિત દરેક ક્ષેત્રે સમાનતા અને સર્વસમાવેશક વિકાસના સિદ્ધાંતોને વળગી રહી છે. શ્રીમતી વાઘેલાએ વિશેષ ભારપૂર્વક જણાવ્યું કે, અનુસૂચિત જાતિ સમાજના લોકોને આવાસ જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે ખાતરી આપી કે, સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવાસ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ સત્કાર સમારંભ ડૉ. બી.આર. આંબેડકરના વિચારો અને આદર્શો પર આધારિત આ ભવન ખાતે યોજાયો હોવાથી, આ પ્રસંગે મંત્રીઓએ ડૉ. બાબાસાહેબના આદર્શોને વરીને સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સન્માન સમારોહમાં વડોદરાના સામાજિક સંગઠનો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાંસદ ડૉ. હેમાંગ જોષી, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજભાઈ ચૌહાણ સહિત અનુસૂચિત જાતિ સમાજના વિવિધ અગ્રણીઓ અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો.
