ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન નવા વિસ્તારોના લોકો માટે તક લઇને આવ્યું

હિન્દ ન્યુઝ, વડોદરા

    વડોદરા શહેર અને જિલ્લામાં શરૂ થયેલું ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન શહેર આસપાસ વસેલા નવા વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે તેમના મતદાન યાદીમાં નામ દાખલ કરવા માટેનો અવસર લઇને આવ્યું છે. જો કે, આ અભિયાન સંદર્ભે અફવાઓથી દૂર રહેવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. 

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ખાસ સઘન સુધારણા અભિયાનની વિગતો આપતા કલેક્ટર ડો. ધામેલિયાએ જણાવ્યું કે, તા. ૪ નવેમ્બરથી એક માસ સુધી બૂથ લેવલ ઓફિસર તેમના વિસ્તારોમાં તમામ ઘરોમાં જશે અને નિયત કરાયેલી પ્રક્રીયા મુજબ ખરાઇ કરશે. જો તેમાં કોઇ મતદાર મળી ના આવે તો ત્રણ વખત ત્યાં જઇને ખરાઇ કરશે. 

ચૂંટણી પંચ દ્વારા માન્ય એવા ૧૩ પ્રકારના આધારપૂરાવા સાથે મતદાર પોતાની ખરાઇ કરાવી શકશે. જિલ્લાના બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં તા.૨૭/૧૦/૨૦૨૫ના મતદારયાદીના આધારે એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહિ આવે તો બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. 

મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે તેમજ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો, બિમાર, દિવ્યાંગ અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તથા તેના માટે સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે.

મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)ના રોજ કરવામાં આવશે તથા હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી ૦૮/૦૧/૨૦૨૬(ગુરુવાર) સુધીનો રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૦૭/૦૨/૨૦૨૬માં ના રોજ કરવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે, આ સમગ્ર અભિયાન દરમિયાન કોઇ પણ પ્રકારની અફવાથી ભ્રમિત થવાની જરૂર નથી. ખરી વિગતો ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવશે. કોઇ મદદની જરૂર હોય તો ચૂંટણી પંચની હેલ્પ લાઇન નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Related posts

Leave a Comment