હિન્દ ન્યુઝ, જામનગર
ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લા ચૂંટણી શાખા દ્વારા SIRને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૨૮-૧૦-૨૦૨૫થી તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.
આ કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર પ્રાંત અધિકારીની કચેરીના મીટીંગ હોલમાં ૭૮ વિધાનસભા મતવિસ્તાર માટે બી.એલ.ઓ.ને તાલીમ આપવામાં આવી રહી છે. તે સ્થળની જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કેતન ઠક્કરે મુલાકાત લઇ લગત અધિકારીશ્રીઓ અને બી.એલ.ઓ.ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સરળ બનશે.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં બુથ લેવલ ઓફિસરોને આજે તા.૧ નવેમ્બરથી તા.૩નવેમ્બર ત્રણ દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવશે. વિધાનસભા મતવિસ્તાર દીઠ બી.એલ.ઓ.ને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪-૧૧-૨૦૨૫ થી શરુ કરવામાં આવશે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને Enumeration Form આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે.
આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દીપા કોટક, શહેર પ્રાંત અધિકારી અદિતી, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન નાયબ કલેકટર આદર્શ બસેર, મામલતદાર તથા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
