રાજકોટ,
તા.૧૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કિશાનપરા ચોક ખાતે R.R લખેલી કાર પસાર થતા મહિલા કોન્સ્ટેબલે આ કારમાં ડ્રાયવર સીટ ઉપર બેઠેલ કારચાલકે માસ્ક નહિ પહેર્યું હોવાથી કાર રોકવા ઈશારો કર્યો હતો. જેથી કાર રસ્તામાં જ ઉભી રાખી દેવામાં આવી હતી. અને આ કાર રસ્તામાં જ ઉભી રહી જતા પાછળ વાહનોની કતાર લાગી ગઈ હતી. જેથી મહિલા કોન્સ્ટેબલે કાર સાઈડમાં પાર્ક કરવાનું અને માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહેતા કારમાંથી રીવાબા જાડેજા નીચે ઉતર્યા હતા. અને તમે મને ઓળખો છો તેમ કહી રોફ જમાવવાની કોશિષ કરી હતી. સામે ફરજના ભાગરૂપે ઉભેલા મહિલા કોન્સ્ટેબલે શાંતિપૂર્વક માસ્ક નહિ પહેર્યું હોય તે અંગે વાત કરતા રીવાબા ઉશ્કેરાઈ ગયા હતા. અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ત્યાં હાજર અન્ય પોલીસ સ્ટાફ પણ અવાચક થઇ ગયો હતો. પોતે જ જાણે સરકાર હોય તેવું વર્તન કરતા આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા D.C.P મનોહરસિંહ જાડેજા, A.C.P રાઠોડ, D.C.B. P.I વી.કે.ગઢવી, મહિલા પોલીસ સ્ટેશનના P.I સેજલ પટેલ, પ્ર.નગર P.I એલ.એલ.ચાવડા સહિતનો કાફલો દોડી ગયો હતો. રાજકોટના કિશાનપરામાં સર્જાયો તમાસો, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માફામાફી કરી, કાર રોકનાર મહિલા કોન્સ્ટેબલને ગભરામણ થઇ જતા હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ