સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી

હિન્દ ન્યુઝ, આણંદ

   પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદના આંગણે પધાર્યા હતા. 

આ પ્રસંગે પેટલાદના સ્થાનિક રહેવાસી ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ મુકેશભાઈ ચોકસીને સેરેબલ પલસી એટલે કે જન્મજાત માનસિક બિમારી છે. તેમને મુખ્યમંત્રીને મળવાની ઇચ્છા હતી. જોગાનુજોગ આજે મુખ્યમંત્રી પેટલાદ ખાતે ઘરઆંગણે રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, તેવા સમાચાર સાંભળતા તેઓ ખૂબ ઉત્સાહિત થયા હતા. તેમના ઉત્સાહને ધ્યાને લઈ મુકેશભાઈના માતા – પિતા તેમને વ્હીલચેરમાં બેસાડી લોકાર્પણ કાર્યક્રમના સ્થળે લઈને આવ્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે હેલિપેડ ખાતેથી રેલવે બ્રિજનું લોકાર્પણ કરવા આવ્યા તે પ્રસંગે તેમની નજર એકાએક વ્હીલચેર પર બેસેલા દિવ્યાંગ હર્ષુલ પર પડી અને મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ તેની સાથે વાત્સલ્યસભર વાર્તાલાપ કરતાં સહજ રીતે પૂછ્યું કે, આટલી ગરમીમાં તમે શું કરો છો??? ત્યારે દિવ્યાંગ હર્ષુલે પણ ઉત્સાહભેર જવાબ આપ્યો કે, સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું…

મુખ્યમંત્રીને મળવાનું સ્વપ્ન આટલું સરળતાથી પૂર્ણ થતાં દિવ્યાંગ હર્ષુલ ભાવવિભોર બની ગયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમની વ્યસ્તતા વચ્ચે પણ સેરેબલ પલસીની બિમારી ધરાવતાં દિવ્યાંગ હર્ષુલ ચોકસીને મળી તેની સાથે વાત્સલ્યસભર વાર્તાલાપ કરતાં હર્ષુલના માતા પિતાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment