બોટાદ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાથી બચાવવા FMD રસીકરણ ૩૦-૦૪-૨૦૨૫ સુધી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

    નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી શરૂ છે. જે ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવશે,જે અંતર્ગત બોટાદ જિલ્લાનાં પશુપાલન વિભાગ દ્વારા બોટાદના લાઠીદડ, રોજીદ, બરવાળા, ખોખરનેસ રાણપુર, રાજપરા રાણપુર,વનાળી ગઢડા, નાની વાવડી રાણપુર, રતનપરના ગામોમાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું
ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ પડે છે, મોઢામાંથી સતત લાળ પડે છે અને દૂધ ઉત્પાદન ઘટે છે. ક્યારેક બાળ પશુઓ મૃત્યુ પણ પામે છે. ખરવા-મોવાસાથી બચવા માટે પશુપાલકોએ રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે.

   આ રોગ પશુઓનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડે છે. જેથી દૂધ ઉત્પાદન ઘટી જાય છે. રસીકરણ દ્વારા પશુને ખરવા-મોવાસા રોગથી બચાવી શકાય છે. ખરવા-મોવાસા રોગને અટકાવવા તમામ પશુપાલકોએ અવશ્ય પોતાનાં પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ તેમ બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment