હિન્દ ન્યુઝ, જામનગર
નેશનલ ટેસ્ટીંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામીનેશન(JEE Mains)ની પરીક્ષા તા.૨-૪-૨૦૨૫ થી તા.૦૪-૦૪-૨૦૨૫ તથા તા.૦૭-૦૪-૨૦૨૫થી તા.૦૯-૦૪-૨૦૨૫ દરમિયાન યોજવામાં આવશે. જામનગર જીલ્લામાં મહાપ્રભુજીની બેઠક પાસે અમાત્યા ગ્લોબલ આઈ.ટી.સોલ્યુશન ખાતે આ પરીક્ષા યોજવામાં આવશે.
આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે, આથી -ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ–૧૬૩ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ જામનગર જિલ્લામાં લેવાનાર પરીક્ષા માટે નિયત પરીક્ષા કેન્દ્ર ‘અમાત્યા ગ્લોબલ આઇ.ટી. સોલ્યુશન, મહાકાલ ચોક, મહાપ્રભુજીની બેઠક, પોલીસ સ્ટેશન સામે, કાલાવડ રોડ, જામનગરની આજુબાજુના ૩૦૦ મીટરના વિસ્તારની હદમાં આવતા સાયબર કાફે બંધ રાખવા તેમજ કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/ અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ તા.૦૨-૦૪-૨૦૨૫ થી તા.૦૪-૦૪-૨૦૨૫ તથા તા.૦૭-૦૪-૨૦૨૫ થી તા.૦૯-૦૪-૨૦૨૫ના રોજ સવારના ૦૮:૩૦ કલાકથી સાંજના ૬:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.