હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ ૭૩ જેટલી અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરએ પ્રયાસો કર્યા હતા.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ખાનગી સ્થળે દબાણ, સંપાદનની બાકી રકમ, ક્વોરી લીઝના પ્રશ્નો, પાર્કિગ તથા ટ્રાફીકના પ્રશ્નો, જમીન રી-સર્વેમાં ક્ષતિ સુધારણા, હક પત્રકમાં સુધારા, જમીન માપણીના પ્રશ્નો, ડ્રેનેજના પ્રશ્નો, સ્વચ્છતાના પ્રશ્નો, અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીના વળતરના પ્રશ્નો, કેનાલના કામો પુર્ણ કરવા, રદ કરાયેલ વીજ જોડાણ પુન:કાર્યાન્વિત કરવા વગેરે જેવા પ્રશ્નોને કલેકટરએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, સર્વે પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ, સિંચાઈ વિભાગ, ઉંડ જળ સિંચન વિભાગ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરઓ, પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા અરજદારઓ ઉપસ્થિત રહ્યા હતા.