આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી

હિન્દ ન્યુઝ, આણંદ

     હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં તા. ૨૪ મે ૨૦૨૪ના રોજ સુધી ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ૪૩ ડિગ્રી થી ૪૫ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ લોકોને કારણ વગર ગરમીમાં બહાર ન જવા તથા વધુમાં વધુ પાણી પીને હિટ સ્ટ્રોકથી બચવા જિલ્લાના તમામ લોકોને જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

        આ પરિસ્થિતિમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જરૂર પડ્યે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીણાં જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, ORS વગેરેનું મહત્તમ સેવન કરવું. તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તીખુ ખાવાનું ટાળો તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો, ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો. બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ. લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં. કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment