હિન્દ ન્યુઝ, દીવ
નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા અને તેનાથી માનવ શરીર પર થતી ખરાબ અસર અને નુકશાન વિશે જાગૃતતા ફેલાવવાનો છે.
જે અનુસંધાનમાં દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુક્ત ભારત અભિયાન દીવના અધ્યક્ષ શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના સંદર્ભમાં દીવ જિલ્લામાં આવેલ વિવિધ સરકારી, અર્ધ-સરકારી તેમજ ખાનગી કાર્યાલયોમાં કાર્યરત કર્મચારીઓ, વિવિધ સરકારી તેમજ ખાનગી શાળાઓ, કોલેજ, પોલીટેકનીક, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર તેમજ અન્ય શૈક્ષણિક સંકુલોના શિક્ષકો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ, સ્કાઉટ અને ગાઈડ, નેહરુ યુવા કેન્દ્ર તેમજ દીવની દરેક ધાર્મિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ અને સમુદાયના પ્રમુખો અને પટેલો તેમજ તેમના સમાજના લોકો દ્રારા નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં દરેક વ્યક્તિએ સાથે મળીને દીવ જિલ્લાને નશા મુક્ત કરવાનો દ્રઢ નિશ્ચય અને સંકલ્પ કર્યો હતો. સમાહર્તાલયના સભાગારમાં દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધિક જિલ્લાધીશ ડૉ. વિવેક કુમાર, ઉપ-સમાહર્તા શિવમ મિશ્રા તેમજ સમાહર્તાલયના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દરેક લોકોને દીવ સમાહર્તા દ્રારા ભારત સરકારના નશા મુકત ભારત અભિયાન હેઠળ નશા મુક્ત ભારતના સપનાને સાકાર કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શપથ લેવડાવવામાં આવેલ.
તદુપરાંત ઉપરોક્ત દર્શાવેલ અન્ય સ્થળોએ પણ દરેક લોકોએ એક જૂથ થઇ સામુહિક શપથ લીધા હતા કે, અમે પોતે નશીલા પદાર્થોનો દુરુપયોગ નહિ કરીશું અને બીજા લોકોને પણ નશીલા પદાર્થોનો દુરુપયોગ કરતા અટકાવીશું અને સમાજમાં આ અંગે જાગૃતતા પણ ફેલાવીશું. સાથે-સાથે પોતાના દેશને નશા મુક્ત કરવા માટે પોતાની ક્ષમતા અનુસાર દરેક સંભવ પ્રયત્ન કરીશું. દરેક લોકોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત દેશને નશામુક્ત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આયોજિત આ શપથ ગ્રહણ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઇ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડયું હતું.
Advt.