‘વિશ્વ રક્તદાતા દિવસ’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
નાગરિકોમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને તેમના જીવન બચાવનાર રક્ત ભેટ માટે આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
‘વિશ્વ રક્તદાતા દિવસ’ની વૈશ્વિક થીમ દર વર્ષે બદલાય છે. આ વર્ષે ‘રક્ત આપવાની ૨૦ વર્ષની ઉજવણી: આભાર રક્તદાતાઓ’ ની વિષયવસ્તુને આધારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત આપી શકાય અને બ્લડ ટ્રાન્સફ્યૂઝન સરળતાથી કરી શકાય તે માટેની જાગૃતિ માટે પ્રતિ વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના બ્લડ સેન્ટર ખાતે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ અને પ્રાંત અધિકારી વિનોદ જોશીએ પણ માનવતાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપતા રક્તદાન કરીને અન્ય લોકો પણ રક્તદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે પોતાનું પુણ્ય કાર્ય અદા કર્યું હતું.
અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે રક્તદાનની મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, રક્તદાન એ જીવનની મહામૂલી ભેટ છે. આજે મનુષ્ય દ્વારા તમામ વસ્તુઓનું નિર્માણ કરી શકાય છે. પરંતુ રક્તનું નવું નિર્માણ શક્ય નથી. રક્તદાન કરવાથી પોતાનું સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે અન્ય વ્યક્તિને પણ રક્તથી નવજીવન મળી શકે છે. તેમણે સ્વસ્થ વ્યક્તિઓએ અચૂક રક્તદાન કરવું જોઇએ, એવી અપીલ પણ આ અવસરે કરી હતી.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લાના ચેરમેન કિરીટભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે, વ્યક્તિનું જીવન બચાવવા માટે લોહીની જરૂર પડે છે. બ્લડ બેન્કમાં હાજર બ્લડથી સમયસર વ્યક્તિને જીવનદાન આપી શકાય છે. લોકો રક્તદાન માટે જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. જેથી રક્તદાન અવશ્ય કરવું જોઈએ.
આ અવસરે સ્વૈચ્છિક રક્તદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ તકે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, મેડિકલ ઓફિસર સોઢા, અગ્રણીઓ, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Advt.