નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્કૂલો ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ

   નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા અને તેનાથી માનવ શરીર પર થતી ખરાબ અસર અને નુકશાન વિશે જાગૃતતા ફેલાવવાનો છે.

   જે અનુસંધાનમાં દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુક્ત ભારત અભિયાન દીવના અધ્યક્ષ શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના સંદર્ભમાં ત્રણ દિવસ માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત ત્રિ-દિવસીય કાર્યક્રમના બીજા દિવસે ફુદમ ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય, ગેલેકસી વિદ્યાલય અને સાઉદવાડી ખાતે આવેલ સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ટેબ્લુમાં લગાવેલ બેનર, સ્ટીકર અને અમદાવાદની મિતેશ પાંડવ ક્રીએશનની ટીમ દ્રારા ઉપરોક્ત દર્શાવેલ શાળાઓ ખાતે નુક્કડ નાટકના માધ્યમથી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશાકારક પદાર્થોના દુરુપયોગથી માનવ શરીર પર થતી ખરાબ અસર અને નુકશાન અંગે શાળાના બાળકોને સુગ્રાહીકૃત અને જાગૃત કરેલ તથા ભારત સરકારના નશા મુક્ત ભારત અભિયાન હેઠળ નશા મુક્ત ભારતના સપનાને સાકાર કરવાના સંદેશને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડેલ.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ


Advt.

Related posts

Leave a Comment