વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી.એમ.સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમગ્ર દેશમાં વિભાગના ‘પી.એમ.સૂરજ’ (સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ)ના વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ પણ વડાપ્રધાન ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ઉપલક્ષમાં સોમનાથ રામમંદિર ઑડિટોરિયમ ખાતે વંચિત વર્ગો માટે યોજાયેલા આઉટરિચ કાર્યક્રમમાં જિલ્લાનાં ૧૯૭ લાભાર્થીઓને રૂ. ૭.૪૬ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીના વિકાસ દ્વારા જ દેશનો વિકાસ શક્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પંડિત દિનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયથી સર્વોદયની ભાવના વિવિધ ગરીબકલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા વાસ્તવમાં સાકાર કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગરીબ, શોષિત, પીડિત, વંચિત, નિરાધારોનો વિકાસ કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા મોદીની ગેરંટીની ગાડી દરેક ગામમાં પહોંચી હતી. જેના દ્વારા છેવાડાના સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે વિવિધ યોજનાઓના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યાં હતાં. તેમણે વંશવાદ સામે રાષ્ટ્રવાદ, સ્કેમ સામે સ્કિમ અને પરિવાર નિયોજન સામે પરિવાર કલ્યાણની પ્રજાકલ્યાણલક્ષી ભાવનાને ઉજાગર કરી હતી.

આ તકે કલેક્ટર ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને અવરોધ વગર લાભ મળે તે માટે વડાપ્રધાન દ્વારા સતત નૂતન યોજનાઓની શરૂઆત કરવામાં આવી રહી છે. અગાઉ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, નારીશક્તિ વંદના કાર્યક્રમના માધ્યમથી છેવાડાના ગામ સુધી પહોંચીને લાભાર્થીઓને હાથોહાથ લાભ પહોંચાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષી, સમાજ કલ્યાણ અધિકારી શાકયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment