બોટાદ જિલ્લામાં ગણેશ ઉત્સવ નિમિત્તે કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખુબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ મહોત્સવ તા.૦૯/૦૯/૨૦૨૨ સુધી ઉજવાય રહ્યો છે. ઉક્ત તહેવારમાં જિલ્લામાં ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. તેમજ ગણેશ મહોત્સવના છેલ્લાં દિવસે એટલે કે તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ નિકળતું હોય છે અને શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે. જેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા, ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલી સત્તાની રૂએ ગણેશ મહોત્સવની શાંતિ પૂર્ણ માહોલમાં અને પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકશાન ન પહોંચે તે પ્રકારની ઉજવણી થાય તે હેતુસર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

તદ્અનુસાર શ્રી ગણેશજીની માટીની મૂર્તિ “૯(નવ)” ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિ “પ(પાંચ)” ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડીત મૂર્તિને બિનવારસી હાલતમાં મુકવા પર પ્રતિબંધ, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુકત રંગોનો ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હ કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચાણ કરવા તેમજ વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા અને વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા-૧૧/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેના ઉપરના અધિકારીનેઓને અધિકૃત કરવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment