‘સીટી બ્યુટી કોમ્પિટિશન’માં ઝળક્યું કોડિનારનું સ્વામી વિવેકાનંદ પાર્ક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગાંધીનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે સીટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં કોડિનાર નગરપાલિકાના ‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.

આ તકે, કોડિનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સીટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં કોડિનાર નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ પાર્કને મિક્સ કેટેગરીમાં (MC+NPs)માં દ્વિતિય ક્રમાંક અને તમામ નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. જે અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રીન સ્પેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે લોકમાન્ય તિલક ગાર્ડન-સુરત મહાનગરપાલિકા, દ્વિતીય ક્રમે સ્વામી વિવેકાનંદ પાર્ક- કોડિનાર અને તૃતીય ક્રમે ફ્લાવર પાર્ક- અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે.

Related posts

Leave a Comment