ઈણાજ ખાતે નવનિર્મિત ચેરિટી ભવનનું ઈ-લોકાર્પણ કરતા કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     અદ્યતન માળખાકિય સુવિધાઓ અને ટેક્નોલોજીના માધ્યમથી ટ્રસ્ટોની નોંધણી કામગીરી સરળ બને તેવા શુભહેતુસર અંદાજિત રૂ. ૨.૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના નવનિર્મિત ચેરિટી ભવનનું કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે, મંત્રી એ રાજ્ય સરકાર સહિત ઉત્તમ કાર્ય કરતાં વિવિધ ટ્રસ્ટને વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, ‘દેશ સહિત ગુજરાતની અંદર પણ ઘણી સેવાભાવી સંસ્થાઓ ઉત્તમ કામ કરી રહી છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા ‘સેવા પરમો ધર્મ’નો ભાવ ઉજાગર કરતી રહી છે. આ સંસ્થાઓની પરસેવાની કમાણી લોકોપયોગી કાર્યમાં વપરાય તેમજ આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં ટ્રસ્ટનું નિર્માણ અને વ્યવસ્થિત સંચાલન થાય, ઉપરાંત ટેક્નોલોજીનું સમન્વય સાધી પારદર્શક કામગીરી થાય એવા સુધારાઓ થયાં છે. નવનિર્મિત અદ્યતન ભવનના માધ્યમથી સુનિયોજીત માળખું વિકસાવવામાં આવ્યું છે. જેના કારણે કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.’

વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ચેરિટી ભવનનું જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. કુલ ૮૫૪.૭૭ ચો.મી ક્ષેત્રફળમાં ફેલાયેલા ભવનના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ જજ ઓફિસ, પીએ રૂમ, પૂછપરછ રૂમ, કોર્ટ રૂમ, પ્રતીક્ષા ખંડ, સ્ટાફ રૂમ, એડવોકેટ રૂમ, સ્ટેશનરી રૂમ, સુપ્રિટેન્ડન્ટ રૂમ જેવી તમામ માળખાકિય સુવિધાઓસભર છે. આ ઉપરાંત કેમ્પસમાં ટુ-વ્હીલર અને ફોરવ્હીલર પાર્કિંગ, સંપ તથા પંપ રૂમ અને લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં એ થી એફ સેક્શનમાં આશરે ૫૦૦૦ જેટલા ટ્રસ્ટ નોંધાયેલા છે, નવનિર્મિત ચેરિટી ભવનના માધ્યમથી આ ટ્રસ્ટના અદ્યતન રેકોર્ડની સાચવણી તેમજ કામગીરી સરળ અને સુનિયોજીત બનશે તેમજ ટ્રસ્ટની સુનિયોજીત વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેરિટી ઈન્સ્પેક્ટર નયન ચાવડાએ કર્યું હતું અને આભારવિધિ મદદનીશ ચેરિટી કમિશનર એસ.એસ.નાયરે કરી હતી.

આ કાર્યક્રમમાં જોઈન્ટ સેક્રેટરી/કમિશનર જે.કે.પંડ્યા, રાજકોટ નાયબ ચેરિટી કમિશનર પી.બી.જાડેજા, પોરબંદર મદદનીશ ચેરિટી કમિશનર સી.ડી.ચૌહાણ, આરએન્ડબી સ્ટેટ કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા તેમજ ચેરિટી સ્ટાફ તથા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, જીતુભાઈ કુહાડા સહિત શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક સહિત અલગ-અલગ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટીમંડળના સભ્યો, અગ્રગણ્ય વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment