હિન્દ ન્યુઝ, સોમનાથ
દેશના માન. ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી અમિતભાઈ શાહ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી તેઓ નું સ્વાગત અભિવાદન ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા પુષ્પગુચ્છ સાથે કરવામાં આવ્યું હતું.
અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી દેવાધિદેવ સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસર પર તેઓ એ પરિવારજનો અને સ્વજનો સાથે શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, પાઘ પૂજા કરી હતી. સાથે જ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓએ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવશે તેવો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અગાઉ લેવાયેલ સંકલ્પ અનુસાર શ્રી સોમનાથ મંદિરમાં પ્રત્યેક દિવસે રુદ્રાષ્ટાધ્યાયી (રુદ્રી)ના 121 પાઠ કરવામાં આવે છે. જેથી દૈનિક પાઠાત્મક લઘુરુદ્ર સંપન્ન થાય છે. અને હવે પ્રત્યેક માસિક શિવરાત્રી પર પણ હોમાત્મક લઘુ રુદ્ર પ્રારંભ કરવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત દક્ષિણ ધ્રુવ બાણ સ્તંભના પણ અમિતભાઈ શાહ દર્શન કર્યા હતા. તેમજ દર્શને પધારેલ શ્રદ્ધાળુઓનું અભિવાદન કર્યું હતું સાથેજ શ્રી સોમનાથ મંદિરના શિખર સુધી સ્વહસ્ત ધ્વજારોહણ કર્યું હતું.