પાટણ ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લામાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ધારપુર હોસ્પિટલ ખાતે આજે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ કોવિડ-19ની તકેદારીના ભાગરૂપે શું-શું તૈયારીઓ કરવામાં આવી છે તેની જાતચકાસણી કરી હતી. જિલ્લા કલેક્ટરએ કોરોના વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ, બેડની વ્યવસ્થા, કોવિડ-19 માટે RTPCR ટેસ્ટની વ્યવસ્થાની જાતચકાસણી કરી હતી.પાટણ નાં ધારપુર હોસ્પિટલની મુલાકાતે આવેલ જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ પાટણ જિલ્લાવાસીઓને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી હતી.

ધારપુર હોસ્પિટલમાં કોવિડ-19ની પરિસ્થિતીને પહોંચી વળવા માટેની તૈયારીઓની વિગતે વાત કરીએ તો, હાલમાં અહીં ગેટ નં-03 પર ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. 15 બેડ વીથ વેન્ટીલેટર ટ્રાયજ એરિયામાં રાખવામાં આવ્યા છે. જેમાં ફિવર ક્લિનિક અને RTPCR સેમ્પલ કલેક્શનની કામગીરી કરવામાં આવશે. કોવિડ-19ના દર્દીઓ માટે હાલમાં કુલ 100 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. અને ભવિષ્યમાં જો જરૂર પડશે તો 475 સુધીના બેડની વ્યવસ્થા કરવા માટે પણ ધારપુર હોસ્પિટલ તંત્ર તૈયાર છે. ધારપુર હોસ્પિટલમાં હાલમાં કુલ 235 વેન્ટીલેટર ઉપલબ્ધ છે જેમાંથી કુલ 35 જેટલા વેન્ટીલેટર હાલમાં કોવિડ-19ના દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં જરૂરીયાત મુજબ વેન્ટીલેટરની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

કોવિડ-19ની બીજી લહેર સમયે ઓક્સિજનની તાતી જરૂરીયાત ઊભી થઈ હતી તેથી ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે પણ ધારપુર હોસ્પિટલ તંત્ર સજ્જ છે. હાલમાં અહીં 13 KL એટલે કે 13,000 લિટર લિક્વિડ મેડીકલ ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ છે, તેમજ 1000 LPM (લિટર પર મિનીટ)નો અને 500 LPM (લિટર પર મિનીટ)નો ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ છે. આ સિવાય 150 જમ્બો ઓક્સિજન સિલિન્ડર પણ ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કોવિડ-19 સામે રક્ષમ મેળવવા માટે RTPCR ટેસ્ટ પણ ખુબ જરૂરી છે તેથી ધારપુર હોસ્પિટલમાં RTPCR લેબ પણ કાર્યરત છે જેમાં હાલમાં રોજના 100-150 ટેસ્ટ કરવાની કાર્યક્ષમતા નક્કી કરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂર જણાશે તો રોજના 1000-1200 જેટલા ટેસ્ટ કરવા માટે પણ ધારપુર હોસ્પિટલ તંત્ર કટીબદ્ધ છે.

ધારપુર હોસ્પિટલમાં કોવિડ-19 સામે લડત આપવા માટે પુરતા સ્ટાફની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ તમામ સ્ટાફ સાથે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ વાતચીત કરીને તેઓની તૈયારીઓ અંગે તેમજ ટેક્નિકલ તૈયારીઓ અંગેની માહિતી મેળવી હતી. હાલમાં ધારપુર હોસ્પિટલમાં કોવિડ-19 વોર્ડ માટે 4-જુનિયર ડોક્ટર્સ, 2-સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, 10-નર્સિંગ સ્ટાફ, 03-નર્સિંગ ઈન્ચાર્જ, 2-બાયોમેડીકલ એન્જીનિયર્સને રિઝર્વ રાખવામાં આવ્યા છે. હાલમાં અનેક દેશોમાં કોવિડ-૧૯ ના કેસોમાં અચાનક આવેલા વધારા બાદ ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે કડક કોવિડ માર્ગદર્શિકાને અનુસરવા માટે દરેક રાજ્યોને સલાહ આપી છે. સરકારશ્રી એ ઓક્સિજન સપ્લાય, તેમજ તેની ઉપલબ્ધતાની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું છે. સરકારની સુચના બાદ રાજ્યના દરેક જિલ્લામાં હાલમાં કોવિડ-19 સામે તકેદારીના ભાગરૂપે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. ધારપુર હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પારૂલ શર્મા અન્ય અધિકારીઓ સાથે મળીને ખુબ ઝીમવટપૂર્વક તમામ કામકાજની દેખરેખ રાખી રહ્યા છે.

ધારપુર હોસ્પિટલના કોવિડ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ જિલ્લાવાસીઓને કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાનું અચુક પણે પાલન કરવા માટે જણાવ્યું હતુ. તેમજ હોસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કર્યા બાદ તેઓને જરૂરી સુચનો પણ કર્યા હતા. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં પાટણ જિલ્લા માટે સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં કોરોનાના કોઈ દર્દી દાખલ થયા નથી. છેલ્લા ૨૪ કલાકમાં પણ આરટીપીસીઆર પરીક્ષણમાં કોઈ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. પાટણ જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ સાથે મળીને કોવિડ-19ની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર છે. જિલ્લાના દરેક વ્યક્તિને સરકારની કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે તેવું જણાવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment