હિન્દ ન્યુઝ, ભુજ
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભીરંડીયારા ગામથી ધોરડો સુધીનો રસ્તો પ્રવાસન ક્ષેત્રે તેમજ સ્થાનિકોના મુખ્ય વ્યવસ્યા પશુપાલન સાથે સંકળાયેલ ધંધાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે. આ રસ્તા પર ભીરંડીયારા ગામથી ૧૧ કિ.મી. એટલે કે હો઼ડકો સુધી ૧૦ મીટર પહોળાઇનો રસ્તો બનાવવામાં આવેલ છે.
આ રસ્તાની ભારવહન ક્ષમતા નાના કોમર્શિયલ વાહનો, એસ.ટી. બસો અને ખાનગી બસો ચાલે તેટલી છે. આ રસ્તા પરથી ધોરડો વિસ્તારના આજુબાજુ મીઠાના ખાનગી ઉદ્યોગો વિકસી રહ્યા હોવાના કારણે મીઠા ભરેલા ભારે વાહનો ધોરડો, હો઼ડકો, ભીરંડીયારા પરથી પસાર થતા હોય છે. જેના લીધે આ રસ્તાને નુકશાન પહોંચી રહ્યું છે. આ રસ્તાને નુકશાન પહોંચતું અટકાવવા માટે તા.૨૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રાથમિક જાહેરનામા બાબતે કોઈ વાંધા કે સૂચનો લોકો દ્વારા આવેલ નથી. જે બાદ આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપ રાણાએ તેમને મળેલ સત્તાની રૂએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)બી મુજબ જિલ્લાના ભુજ તાલુકાના ભીરંડીયારા ગામથી ધોરડો ગામ સુધીના રસ્તા પર ભારે તેમજ અતિભારે માલવાહક વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ વાહનો માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ભારે કે અતિભારે માલવાહક વાહનોએ ૧) ભીટારા-હાજીપીર-ધોરડો-લુડીયાથી ભીરંડીયારા-લોરિયા-ભુજ(રાષ્ટ્રીય ધોરીમાર્ગ) ૨) ધોરડો-ભીટારા-હાજીપીર(રાષ્ટ્રીય ધોરીમાર્ગ)-દેશલપર-નખત્રાણા-ભુજ(રાજ્ય ધોરીમાર્ગ) રસ્તાનો પરિવહન માટે ઉપયોગ કરવાનો રહેશે.
જાહેરનામામાંથી સરકારી વાહનો, સરકારી કામે રોકવામાં આવેલા વાહનો, પોલીસ અધિક્ષક કે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.