સખી મંડળો અને સ્વસહાય જુથોની સતત કરે છે દરકાર મહિલાઓની આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ ડબલ એન્જિનની સરકાર

હિન્દ ન્યુઝ, બોટાદ

“સરકાર તરફથી 17 લાખ 50 હજાર રૂપિયાની સહાય મળ્યા બાદ અમારા સ્વસહાય જુથની 150 બહેનો તમામ ક્ષેત્રે પગભર બની છે. સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળતા અમારી બહેનો આત્મસન્માન સાથે જીવી રહી છે અને આત્મનિર્ભર બની છે.” આ શબ્દો છે બોટાદ જિલ્લાના રાણપુરમાં રહેતા યાસ્મીનબેન વોરાના. સખી મંડળો અને સ્વસહાય જુથોને વેગ મળે અને આપણી બહેનો સન્માનપૂર્વક જીવન જીવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. બહેનો ઉદ્યોગો શરૂ કરી શકે, તેને સરળતાથી ચલાવી અને પોતાના ઘર-પરિવારનું ગુજરાન કરી શકે તે માટે સરકારનો સંવેદનશીલ અભિગમ નવી ઉર્જા પ્રદાન કરનારો રહ્યો છે.
આંખમાં હરખના આંસુ સાથે યાસ્મીનબેન જણાવે છે કે, સરકાર તરફથી અમને 17 લાખ 50 હજાર રૂપિયાનો ચેક ફાળવવામાં આવ્યો છે. તેનાથી અમારા જૂથમાં વધુ 50 બહેનો જોડાઈ અને આર્થિક રીતે સ્વતંત્ર બની શકશે. વર્ષ 2014માં મને સરકાર તરફથી વ્યવસાય ચલાવવા માટે રૂ.5 લાખની ગ્રાંટ મળી હતી. ત્યારે મારી સાથે 10 સ્વસહાય જુથની 100 બહેનો કામ કરતી હતી. સરકાર તરફથી મદદ મળ્યા બાદ મેં અને મારી બહેનોએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. વધુમાં યાસ્મીનબેને કહ્યું કે, સરકાર તરફથી સહાય મળતા ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પણ નાના-નાના ઉદ્યોગો શરૂ કર્યા અને આજે બહેનો ખુબ સારી આવક મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. સરકાર વિવિધ મહિલાલક્ષી યોજનાઓના કારણે બહેનોમાં નવું જોમ અને નવો જુસ્સો આવ્યો છે. આર્થિક રીતે તેઓ હવે કોઈના પર નિર્ભર નથી. એમ કહેવું યથાર્થ છે કે બહેનોને નવું જીવન મળ્યું છે. હવે અમે કુલ 150 બહેનો સાથે મળીને સ્વસહાય જુથ ચલાવી રહ્યા છીએ. સરકાર આવી જ રીતે મદદ કરતી રહે તો અમને અને અમારા સ્વસહાય જુથોને નવું પ્રેરક બળ મળતું રહેશે.

બોટાદ જિલ્લામાં આવા અનેક સ્વસહાય જુથો અને સખી મંડળો કાર્યરત છે. નાના-નાના રમકડાં, બ્યૂટી પાર્લર, કાપડની દુકાનથી માંડીને અનેક વસ્તુઓ આ જુથોની બહેનો દ્વારા વેચાણ અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેને સરકાર તરફથી મળતી સહાય સતત પ્રોત્સાહન પુરૂ પાડી રહી છે. જેના થકી બહેનો ન માત્ર આર્થિક રીતે પરંતુ સામાજિક, શૈક્ષણિક સહિતના તમામ ક્ષેત્રોમાં પગભર બની છે.જુથમાં જોડાયેલી મહિલાઓના આત્મવિશ્વાસમાં ઘણો મોટો વધારો થયો છે. સરકારના પ્રગતિશીલ, સંવેદનશીલ અને પ્રજાભિમુખ અભિગમના કારણે આજે દરેક ક્ષેત્રે બહેનો સફળતાના શિખરો સર કરી રહી છે

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment