હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારતીય એરફોર્સના ફલાઈંગ ઓફિસર અને પાલિતાણાના રોહિશાળાના હોનહાર પૂત્ર દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયાના પાર્થિવ દેહને લઇને એરફોર્સનું ખાસ વિમાન આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા સંપૂર્ણ સન્માન સાથે ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયાએ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિથી પાર્થિવ દેહને આવકાર્યો હતો.
આજરોજ સવારે ભાવનગર એરપોર્ટ ખાતે દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા (ફલાઈંગ ઓફિસર સ્કવોર્ડન-૯ ગ્વાલિયર એરફોર્સ ) ગઇકાલે દિવંગત થતાં તેઓના પાર્થિવ દેહને ગ્વાલિયરથી એરફોર્સના વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.
સ્વર્ગસ્થના સ્વજનોઅને ભાવનગરના ગણમાન્ય નાગરિકોની હાજરીમાં તેઓના પાર્થિવ દેહને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા સિલ્વર બેલ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સલામી અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ સ્વર્ગસ્થના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના વતન પાલીતાણાના રોહીશાળા ગામે ફુલોની શણગારેલી ટ્રકમાં લઇ જવામાં જવા આવ્યો હતો. આ સમયે ખૂબ લાણગીસભર દ્રશ્યો સર્જાયા હતાં. ભાવનગરના યશસ્વી કારકિર્દી તરફ આગળ ધપી રહેલાં નવયુવાનના મોતનો ગમ દરેકના ચહેરાં પર દેખાતો હતો.
આ અવસરે દિવંગતને અંજલિ અર્પવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ભાવનગર શહેર ભાજપના પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા, ભાવનગર શહેર ભાજપ મહામંત્રી ડી.બી.ચુડાસમા, અરુણભાઈ પટેલ, સિલ્વર બેલ્સ સ્કૂલના અમરાજ્યોતિબા ગોહીલ સહિતના શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી