મંત્રી વિનોદભાઈ મોરડીયાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી

હિન્દ ન્યૂઝ, બોટાદ

ભારત વર્ષના 73 માં પ્રજાસત્તાક પર્વની બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમણે પ્રજાસત્તાક સ્વાતંત્ર્ય સેનાનીઓના શહિદોને શ્રધ્ધાજંલી પાઠવી દરેકને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજના ગણતંત્ર દિવસે આપણને આઝાદી અપાવનાર અને દેશની સ્વતંત્રતા માટે પોતાની જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપુતોનું સ્મરણ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી જણાવ્યું હતું કે, આજના પાવન દિને 72 વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ, સશક્ત અને દિર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. દ્રઢ રાજકીય ઈચ્છા શકિત, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશકિતના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન વિકાસના નવતર સોપાનો સર કરી રહ્યા છીએ. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ઉર્જાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તેજ રફતારથી, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે જન – જનનો વિકાસ કરી રહી છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ મંત્રને સાકાર કરવા આ સરકાર નિષ્ઠાપૂર્ણ અને પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે, સૌમ્ય, સરળ અને સાલસ છતા નિડર, પરિણામલક્ષી અને નક્કર મનોબળવાળા મુખ્યમંત્રીએ પદને સત્તા નહી પણ સેવાનું માધ્યમ બનાવ્યું છે તેમનો સરળ અને સહજ સ્વભાવ ટીમ ગુજરાતની આગવી ઓળખ બની છે. શિક્ષણ હોય કે રોજગાર કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશકિતકરણ હોય કે યુવા વિકાસ, વંચિતો – વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોની આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યુ છે.

મંત્રીએ રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે ગુણવત્તાસભર આરોગ્ય મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષિત ગુજરાત રહે એ માટે સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે. છેલ્લા દોઢ બે વર્ષથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે બાથ ભીડી રહ્યું છે. ભારત દેશે રસીકરણની ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી કોરોનાને નાથવાના જંગમા ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત મક્કમતાથી અગ્રેસર રહ્યુ છે. બોટાદ જિલ્લામાં પણ વેકસિનેશન મહાઅભિયાન શરૂ થયેલ છે. 3 જાન્યુઆરી 2022 થી 15 થી 17 વર્ષના કિશોર – કિશોરીઓને પણ રસી આપવાનો પ્રારંભ કરેલ છે તેમ જણાવ્યું હતું. સુશાસનમાં ગુજરાતની અગ્રેસરતા અનોખી છે. ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સના અભિગમ હેઠળ બોટાદ જિલ્લામાં આવેલા ગંગા સ્વરૂપા બહેનોને ગંગા સ્વરૂપા સહાય ઘરે બેઠા મળી રહી તે અભિગમથી વ્હોટસ એપ હેલ્પલાઈનના માધ્યમથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાઓના મૂલ્યાંકન બાબતે CM DASHBOARD કાર્યરત છે. જેમાં બોટાદ જિલ્લો છેલ્લા 5 મહિનાથી પ્રથમ ક્રમાંકે રહેવા પામેલ છે. કૃષિ, મહિલા સશકિત કરણ, ગરીબો – વંચિતોના સર્વાગી વિકાસ માટે તેમજ સમૃધ્ધિ અને સુવિધાથી ગ્રામજીવન સંપન્ન બને એ દિશામાં પરિણામલક્ષી કામ કરવા સરકાર તત્પર છે. ગુજરાતના તમામ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટે સરકાર કટિબધ્ધ છે. બોટાદ જિલ્લાની ત્રણેય નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ માળાખાકીય સુવિધાના કામો જેવા કે, સીસી રસ્તા, ડામર રોડ તથા પેવર બ્લોક ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ, કોમ્યુનીટી હોલ, એસ.ટી.પી., વોટરટ્રીંટમેટ પ્લાન્ટ, સ્ટોરેજ વિગેરે કામો હાથ ધરાયેલ છે. જળ સંચય, જળવિતરણ અને જળવ્યવસ્થા ક્ષેત્રે ગુજરાતે પાણીદાર આયોજન કર્યુ છે. બોટાદ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ બોટાદ નગરપાલિકા વિસ્તારો માટે રૂપિયા 11 કરોડ 58 લાખના કામોને સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી અપાયેલ છે. ગઢડા નગરપાલિકા વિસ્ત્તાર માટે રૂપિયા 4 કરોડ 99 લાખ અને બરવાળા નગરપાલિકા વિસ્તાર માટે રૂપિયા 3 કરોડનો ડી.પી.આર. મંજૂરી હેઠળ છે. આ ઉપરાંત બોટાદ – સાળંગપુર – બરવાળા જે 25 કિ.મીનું અંતર છે. તેને ચારમાર્ગીય રસ્તો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી કરી આ રસ્તા પર પસાર થતા ટ્રાફિકને સરળ બનાવી શકાશે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના મંત્રને મૂર્તિમંત કરવાની પ્રતિબધ્ધતા સાથે ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઉડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી રહ્યું છે તેમ વધુમાં જણાવી સ્વાતંત્ર્ય વીરો અને વડીલોને વંદન કરી તમામ લોકોને પ્રજાસત્તાક પર્વની પુન:શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે વિકાસ માટે રૂપિયા ૨૫ લાખની રકમનો ચેક જિલ્લા કલેકટર બી.એ.શાહને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેકિસનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.


73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, નગરપાલિકા પ્રમુખ રાજશ્રીબેન વોરા, પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી.માણિયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સભ્ય સહિતના અગ્રણીશ્રીઓ, નાયબ કલેકટર આર.કે.વંગવાણી, આશિષ મિયાત્રા, જિલ્લા પુરવઠા અધિકારી પદ્મિનીબેન રાઠોડ, પ્રાંત અધિકારી દિપક સતાણી સહિતના અધિકારી -કર્મચારીઓ, જિલ્લાના આગેવાનો, વિવિધ સંસ્થાના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત્ત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment