હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્રને આધુનિક “ટ્રુનેટ TB મશીન”નું દાન આપવામાં આવ્યું છે. આ મશીન પ્રાપ્તિથી ક્ષયરોગ (TB)ના નિદાનમાં ઝડપી અને ચોકસાઈભર્યું પરિણામ મેળવવામાં આરોગ્ય કેન્દ્રને સહાય મળશે.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કંપનીના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મશીનનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. ટ્રુનેટ TB મશીન દ્વારા નમૂનાઓનું ઝડપી પરીક્ષણ કરી સમયસર સારવાર શરૂ કરી શકાશે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં TB નિયંત્રણ અભિયાનને વધુ વેગ મળશે.
રાજકોટ વાડીનાર ટોલવે પ્રા.લિ. એ સામાજિક જવાબદારી સમજી આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપવાનો હેતુ રાખી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.
જિલ્લા આરોગ્ય તંત્રએ રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ.ના લોકહિતકારી પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સરપંચ મનસુખભાઈ પરમાર, RVTL ના પ્રોજેક્ટ હેડ ધવલ વ્યાસ, મેનેજર તેજસ ભીંડી, ટોલપ્લાઝા મેનેજર ગૌરવ નૈતિયાલ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
