હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે.
‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના વિખ્યાત નૃત્યો જેવા કે પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, ભવાળા નૃત્ય, તમાશા અને રામાયણ નૃત્ય નાટિકા, ભજન પાર્ટીની ધૂન, ડાંગી કોમેડીના તડકા સાથે ડાંગ બહારના વેસ્ટ ઝોનના વિખ્યાત રાઠવા નૃત્ય અને સિદ્દી ધમાલ નૃત્યોની રમઝટ પ્રજાજનોએ માણી હતી.
આ સાથે ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન કાર્યક્રમ વેળા ‘રંગ ઉપવન’ ના રંગમંચ ઉપર ભાવસભર પ્રાર્થના સાથે ડાંગી નૃત્ય અને રાસ ગરબાએ પણ પ્રેક્ષકોની દાદ મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘ડાંગ દરબાર’ ના વખતે સતત પાંચ દિવસો સુધી સાંજના સાત વાગ્યાથી ‘ડાંગના દરબારીઓ’ ને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો માણવા મળશે. જેમાં તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રખ્યાત ગાયક ભાવેશ આહીરનું સંગીત કાર્યક્રમ થશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, તારપા નૃત્ય, ઘેર નૃત્ય, ઘુમ્મર નૃત્ય, ઠાકરે નૃત્ય, દેરા વાદન, તુર નૃત્ય જેવાં આદિવાસી નૃત્યોનો કાર્યક્રમો પણ યોજાનાર છે.
