રાજકોટ ઝૂ ખાતે સિંહણ રૂત્‍વીને સ્‍નેક બાઇટ પછી તાત્કાલિક સારવાર અપાતા સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો

હિન્દ ન્યૂઝ, રાજકોટ

    રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્‍વી ઉંમર ૬.૫ વર્ષ સુતેલી હાલતમાં જોવા મળેલ. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકતા એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્‍કાલિક જાણ કરી બોલાવવામાં આવેલ. વેટરનરી ડોકટર દ્વારા સિંહણને તપાસતા સિંહણના પૂછડીના મૂળના ભાગે સોજો મળેલ અને સિંહણ કોમા કન્‍ડીશનમાં સુતેલી અવસ્‍થામાં હોય, પ્રાથમિક રીતે સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થવાનું જણાઇ આવતા તેમને તાત્‍કાલિક સારવાર હેઠળ રાખવામાં આવેલ. સારવાર માટે વેટરનરી ઓફીસર ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. જાકાસણીયા તથા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. હિરપરાની ટીમ દ્વારા સતત રાઉન્‍ડ કલોક સઘન સારવાર ચાલુ રાખવામાં આવેલ.

      એન્ટી સ્નેક વેનમ અને લાઇફ સેવીંગ ટ્રીટમેન્ટ શરૂ રખાતા ૬ કલાકની સારવાર બાદ સિંહ માદાની તબીયતમાં આંશીક સુધારો જણાયેલ. સતત અને સઘન સારવારના અંતે મોડી રાત્રી દરમિયાન સિંહણની તબીયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ અને આજ તા.૧૧/૦૫/૨૦૨૧ના વહેલી સવાર સિંહણ સારવારનાં પાંજરામાં નોર્મલ અવસ્થામાં હરતી-ફરતી થઇ ગયેલ છે.

 

     હાલ સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો જોવા મળેલ છે અને હજુ પણ આ સિંહણને સતત અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે.

Related posts

Leave a Comment