હિન્દ ન્યૂઝ, નડિયાદ
નડિયાદ શહેરના કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટને શુભેચ્છા અને અભિનંદન પાઠવતા બેનરો શહેરમાં ઠેરઠેર લગાવવામાં આવ્યા છે. જોકે, ટાર્ગેટ કરીને કેટલાક શખ્સો દ્વારા આ બેનરને ફાડવામાં આવતાં હોવાના બનાવો બન્યા છે. આ મામલે હાર્દિક ભટ્ટ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, પછી પણ મંગળવારની રાત્રે અમદાવાદી બજાર વિસ્તારમાં લગાવવામાં આવેલું બેનર ફાડવામાં આવ્યા બાદ, બુધવારે આ મામલે નડિયાદ શહેર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હાર્દિક ભટ્ટને ટાર્ગેટ કરીને જ બેનરો ફાડવાની ઘટનામાં શહેરમાં અનેક ચર્ચાઓ જોરમાં છે. જેમાં તેમના જ એક અંગત મિત્રનું આ કારસ્તાન હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે હાર્દિક ભટ્ટનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ કોઇ સ્પષ્ટતા કરતી નથી, નથી અમને સીસીટીવી ફુટેજ જોવા દેતી. તપાસ વચ્ચે ફરી એક વખત બેનરને નુકસાન કરવામાં આવ્યું છે. જોકે, પોલીસે કોઇ વ્યક્તિની તપાસ કરી છે કે નહીં તે મને ખબર નથી. આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.જી.પરમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં તપાસ કરી રહ્યા છીએ, હાર્દિક ભટ્ટે ફરિયાદ આપી છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ