હિન્દ ન્યૂઝ, વડાલી
રેતી માફિયાઓ સામે તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો જોતા, ક્ષત્રિય હિતકારીણી સેના પર્યાવરણ તેમજ શામળીયા સોડના દેવસ્થાન પાસેના સ્થળની રક્ષા માટે આગળ આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે.
“ઈડરીયા ગઢ”ની તળેટીમાં આવેલ ઈડરના રાજા શામળીયા સોડનાં દેવસ્થાન પાસે પહેલાં ખનન માફિયાઓએ આડેધડ ડુંગરો તોડી ત્યાં આવેલ તળાવ લીકેજ કરી ત્યાં વસતા વન્યજીવો સામે પાણીનો ખતરો ઊભો કર્યો છે. જ્યારે અત્યારે ઈડર ગઢની પાછળ આવેલા ડુંગરોમાં રેતી અને માટી ચોરોએ અડ્ડો જમાવી ડુંગરોના પાછળ આવેલી તળેટીમાં રાત દિવસ ટેક્ટરો ભરી માટી ચોરી પર્યાવરણ સામે જોખમ ઉભો કરી રહ્યા છે. અંધેર તંત્રને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વારંવાર માહિતી આપવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
ઈતિહાસની વાત કરીએ તો આ સ્થળે ભીલ રાજા શામળીયા સોડ અને રાઠોડ રાજા વચ્ચે ગમખ્વાર યુધ્ધ થયુ હતું. આ યુધ્ધમાં રાઠોડ રાજાઓની જીત થઈ હતી. પરંતુ શામળીયા સોડ રાજાને મરતી વખતે રાઠોડ રાજાએ વચન આપ્યું હતું કે જ્યારે પણ આ ભૂમિ ઉપર કોઈ પણ રાજા ગાદી પર બેસે તે પહેલાં તમારા દેવસ્થાન ઉપર માથું ટેકવશે અને “તપો શામળીયા સોડનું રાજ્ય” બોલ્યાં બાદજ રાજ્ય સંભાળશે, તેમજ તમારી ભૂમિ અને પ્રજાનું રક્ષણ કરશે. પરંતુ સમય બદલાયો સત્તા બદલાઇ ચોર તંત્રએ આ અમુલ્ય ધરોહરને ખનન માફિયાઓને ધરી દીધી. આ ભૂમિની રક્ષા માટે આગળ આવેલા લોકો ઉપર ચોરી, લુંટ, રાયોટીંગ જેવા ગુન્હા દાખલ કરી દેવાયા.
રાઠોડ રાજાઓના બલીદાનોની ભૂમિ એવા ઈડરીયા ગઢની રક્ષા માટે ફરી એક વાર રાજપૂત સમાજ આગળ આવ્યો છે જેથી લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. હવે સમાજના આગેવાનો પર્યાવરણની ઘોર ખોદી રહેલા તત્ત્વો સામે કાર્યવાહી કરવા તંત્રની આંખ ઉઘાડવા મદદરૂપ થાય તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ છે.
રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી