પાટણ,
પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આનંદ પટેલે પોતાના ત્રણ વર્ષથી વધુ સમયના પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન લોકભિમુખ વહિવટ થકી લોકચાહના મેળવી હતી. નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમારે આનંદ પટેલને શ્રીફળ અને સાકાર અર્પણ કરી સાલ દ્વારા સન્માન કર્યું હતું અને નવા નિમાયેલ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિદાય લઈ રહેલા કલેક્ટર આનંદ પટેલે પાટણ જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમનો આ સમયગાળો તેમને જીવનભર યાદ રહેશે. પાટણ જિલ્લાના નાગરિકોએ તેમને સતત સહયોગ આપ્યો એ માટે આભાર વ્યક્ત કર્યો હતો. એમણે એ પણ જણાવ્યું કે તેમને આ ગાળા દરમિયાન પૂર, અછત અને કોરોના મહામારી જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ, જિલ્લા વહીવટી તંત્રના કર્મઠ કર્મચારીઓની નિષ્ઠા અને પ્રજાના સહયોગ થકી આ બધામાંથી પાટણ જિલ્લો સારી રીતે બહાર નિકળી શક્યો. પાટણના પાડોશી જિલ્લા બનાસકાંઠામાં જ બદલી થતા મા અંબેના આશીર્વાદથી ત્યા લોકસેવા કરવાની તક મળી છે એ વાતનો એમને હર્ષ વ્યક્ત કર્યો હતો. આનંદ પટેલે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભળનાર સુપ્રીતસિંઘ ગુલાટીને અભિનંદન પાઠવ્યા હતા. સુપ્રીતસિંઘ ગુલાટીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની વહીવટી ટીમ ખૂબ જ કાર્યક્ષમ છે જેના સાથ સહકારથી આગામી સમયમાં સૌ સાથે મળીને જિલ્લાના નાગરિકોના કલ્યાણ અને સુખાકારી માટે પ્રયત્નો કરીશું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીગણ અને કર્મચારીઓએ આનંદ પટેલ અને સુપ્રીતસિંઘ ગુલાટીનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કર્યું હતું.
કેટલાક અધિકારીઓએ આનંદ પટેલ સાથેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમને થયેલા અનુભવો અને તેમના માર્ગદર્શનમાં શીખેલ બાબતો વિશે વાત કરી હતી. આ પ્રસંગે આનંદ પટેલના માતા-પિતા, એમના ધર્મપત્ની અને પુત્રી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી દલપતભાઈ ટાંક અને અમિત પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારા, નાયબ વન સંરક્ષક જે.જે.રાજપૂત, નાયબ કાર્યપાલક ઈજનેર બી.પી.ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી અલ્પેશ સાલ્વી, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, ચીફ ઓફીસર પાંચાભાઈ માળી, ડિઝાસ્ટર મામલતદાર હિતેશ રાવલ, તમામ મામલતદારઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર