હિન્દ ન્યુઝ, નવસારી
આજના સમયમાં રાસાયણિક ખેતીના વધતા ખર્ચ, જમીનની ઘટતી જતી ફળદ્રુપતાની સ્થિતિ તથા માનવ આરોગ્ય પર પડતી નકારાત્મક અસરોને કારણે અનેક ખેડૂતોએ વિકલ્પોની શોધ શરૂ કરી છે. આવા સમયમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખખવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત વિપીનભાઈ ખંડુભાઈ નાયક છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
વિપીનભાઈ અગાઉ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ વધતા ખાતર અને કીટનાશક ખર્ચ, જમીનની ઘટતી ઉત્પાદન ક્ષમતા તથા નફામાં ઘટાડાને ધ્યાનમાં રાખી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસી નિર્ણય લીધો. શરૂઆતમાં ઉપજ ઘટવાની અને બજાર ન મળવાની ચિંતા હતી, પરંતુ આત્મવિશ્વાસ, સતત અભ્યાસ તથા પ્રયોગોના આધારે તેમણે આ તમામ પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા.
વિપીનભાઈ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે છે. ખેતીમાં તેઓ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત તેમજ વનસ્પતિ આધારિત કીટનાશકોનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી સંપૂર્ણપણે દૂર રહી તેમણે જમીનની જીવંતતા તથા સૂક્ષ્મજીવ પ્રવૃત્તિને પુનઃસ્થાપિત કરી છે. પરિણામે જમીનમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધ્યું છે, પાણી ધારણ કરવાની શક્તિમાં સુધારો થયો છે અને પાક વધુ તંદુરસ્ત બન્યો છે.
વિપીનભાઈ મુખ્યત્વે આંબા, ચીકુ, હળદર, સુરણ અને રતાળુ જેવા પાકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાવે છે. પ્રાકૃતિક ખેતીને કારણે ઉત્પાદન ખર્ચ અંદાજે 50 થી 60 ટકા સુધી ઘટ્યો છે અને નફામાં નોંધપાત્ર વધારો થયો છે. આજે તેમના પાકને સ્થાનિક બજાર, પ્રાકૃતિક વેચાણ બજાર તથા સીધા ગ્રાહક વેચાણ (Direct Marketing) દ્વારા સારો ભાવ મળે છે. સાથે સાથે તેઓ પોતાના ખેતરમાં તૈયાર કરેલા જીવામૃત અને ઘનજીવામૃતનું પણ વેચાણ કરે છે.
વિપીનભાઈનું માનવું છે કે, “પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ, જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવાનો માર્ગ છે.” તેમની સફળતા જોઈ આજુબાજુના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની શરૂઆત કરી છે. તેઓ અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીના પ્રચાર–પ્રસાર માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
આજે વિપીનભાઈ ખંડુભાઈ નાયક પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે પ્રેરણાસ્રોત બન્યા છે અને સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન, ધીરજ અને નિષ્ઠાથી પ્રાકૃતિક ખેતી દ્વારા ટકાઉ તથા નફાકારક ખેતી શક્ય છે.
