હિન્દ ન્યુઝ, જૂનાગઢ
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ૧૨ નગરપાલિકાઓ માટે વોટર સપ્લાઈની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ઈજનેર(એ.એચ.એમ.), સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના મેનેજરે ભાગ લીધો હતો.
ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે, રાજ્ય સ્તરે તમામ વિભાગોના વડાઓ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓના ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓમાં ઇવેન્ટ અને એક્ટીવીટી માટે શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. જે અન્વયે ‘‘એમ્પાવરીંગ મ્યુનિસિપલ સ્ટાફ, સ્ટ્રેન્ગ્ધનિંગ અર્બન ફ્યુચર્સ’’ તથા ‘‘ટ્રેઈનિંગ ટુડે ફોર સ્માર્ટર સીટીઝ ટુમોરો’’ની ટેગ લાઈન હેઠળ પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોનની કચેરી દ્વારા અધિક કલેક્ટરશ્રી ડી. અને. સતાણીના અધ્યક્ષસ્થાને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓના અધિકારી અને કર્મચારીઓ માટે જુનાગઢ જિલ્લાના મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ ખાતે પાણી પુરવઠા અંગેની તાલીમ યોજવામાં આવી. તાલીમમાં કુલ ૫૯ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી પુરવઠા સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓને નવીન તકનીકો, જાળવણી પ્રક્રિયા, પાણીની ગુણવત્તા નિયંત્રણ તેમજ આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ માટે સુસજ્જ કરવાનો છે.
તાલીમ કાર્યક્રમમાં પાણી શુદ્ધિકરણ, પાઇપલાઇનની જાળવણી, લીકેજ નિયંત્રણ, પાણી બચતના ઉપાયો, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પુરવઠા વ્યવસ્થાની કાર્યક્ષમતા વધારવા અંગે સમજૂતિ આપવામાં આવી. તેમજ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ પ્રક્રિયા અને જનજાગૃતિ કાર્યક્રમોની મહત્વતા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.
પાણી પુરવઠા અંગેની તાલીમ રાજ્ય કક્ષાના માસ્ટર ટ્રેનર અને વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર પી. જે. વઘાસીયા દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પ્રાયોગિક ઉદાહરણો અને કેસ સ્ટડી દ્વારા ભાગ તાલીમાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રકારની તાલીમથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પાણી પુરવઠા સેવા વધુ સઘન, વિશ્વસનીય અને જનહિતકારી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
