જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ. 

જિલ્લામાં નવેમ્બર-૨૦૨૫ માં કુલ-૧,૬૩,૭૦૦ રેશનકાર્ડ ધારકો પૈકી ૧,૫૩,૯૧૬ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૯૯.૯૪% NFSA રેશનકાર્ડધારકોના આધારસીડીંગની કામગીરી કરાઈ જેની ચર્ચા થઈ હતી.

NFSA-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટેની કુલ-૪૦૯ અરજીઓ પૈકી ૩૧૮ અરજીઓનો નિકાલ નવેમ્બર-૨૦૨૫ માં કરાયો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કુલ-૬ રેશનકાર્ડ કમી કરાયા છે. સંગ્રહખોરી, નફાખોરી કે કાળાબજાર થાય નહીં તે માટે જિલ્લા તપાસણી એકમ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવે છે.

જે અન્વયે માહે નવેમ્બર-૨૦૨૫ માં કુલ-૮૮ વાજબી ભાવની દુકાનોની તપાસ કરવામાં આવેલ છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ વાજબી ભાવની દુકાનોની તકેદારી સમિતિના સભ્યોની વિગત (સભ્યોના નામ, આધારકાર્ડ નંબર, આધારકાર્ડ લીંક મોબાઇલ નંબર વિગેરે) ipds પોર્ટલ પર અદ્યતન કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.

આ બેઠકમાં ગાંધીનગર કલેકટર મેહુલ કે દવે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.શર્મા, મામલતદાર ગાંધીનગર એમ.ડી.ગોહેલ તથા ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment