હિન્દ ન્યુઝ, ભુજ
જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિત, ઈસમો પ્રવૃતિ કરી રહેલ હોવાનું જણાય આવેલ છે. આવો ઈરાદો રાખતા વ્યકિતઓની પ્રવેશ પર પ્રતિબંધ છે. કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા જાહેર કરેલ જાહેરનામા અન્વયે તા.૦૨/૦૨/૨૦૨૩ સુધી અમલ કરવાનો રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ સને ૧૯૫૧ની કલમ-૨૨ માં અધિનિયમ કલમ-૩૭(૩) અન્વયે તેમને મળેલ તેમની સતાની રૂએ અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિતઓના પ્રવેશ ઉપર મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ની પેટા કલમ (૩) તથા ભારતીય દંડસંહિતા ભારતના ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.