હિન્દ ન્યુઝ, સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત શહેરના આંગણે એસ.એમ.સી.ગ્રાઉન્ડ, અઠવા પાર્ટી પ્લોટ(ઉમરા) ખાતે આગામી તા.૨૦ થી ૨૨મી ડિસેમ્બરના રોજ ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળો’ યોજાશે. આ મેળાનુ તા.૨૦મીએ બપોરે ૧.૦૦ વાગે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્દધાટન કરવામાં આવશે. આ મેળામાં કુલ ૧૦૦ જેટલા સ્ટોલમાં સ્વદેશી વસ્તુઓ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો અને સહકારી સંસ્થાઓના ઉત્પાદનોનું વેચાણ, લખપતિ દીદી, ડ્રોન દીદીના સ્વરોજગારીના ઉત્તમ કાર્યને પણ રાજ્યવ્યાપી પ્લેટફોર્મ પૂરું પાડવાનો ઉદ્દેશ છે. જેમાં ફોરેસ્ટ હની, ફર્નીચર, પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ, ગ્રોસરી, મરી-મસાલા, વાંસની કલાત્મક વસ્તુઓ, એમ્બ્રોઈડરી, જવેલરી, હેન્ડ વર્ક, મડ વર્ક, આરી વર્ક, જરી વર્ક જેવા ગૃહ ઉદ્યોગો આધારિત પ્રોડક્ટસ આ મેળામાં પ્રદર્શિત સહ વેચાણ કરવામાં આવશે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ મોટી સંખ્યામાં શહેરીજનોને સ્ટોલમાંથી ખરીદી કરીને વોકલ ફોર લોકલ ઉકિતને સાકારિત કરવાનો અનુરોધ કર્યો છે.
