ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારનાં નવનિયુક્ત શિક્ષણ મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (સરકાર માન્ય) કારોબારી સભા દ્વારા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન,વિધા સમીક્ષા કેન્દ્ર,સેક્ટર-૧૯, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું‌.

જેમાં ડૉ. પ્રધુમનભાઇ વાજા શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય, શ્રીમતી રીવાબા જાડેજા શિક્ષણમંત્રી (રા.ક.), ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતાં.

નવનિયુક્ત શિક્ષણમંત્રીઓના સન્માન સમારોહ પ્રસંગે મંત્રીઓના સન્માન સાથે સાથે, ‘નમો કે નામ રક્તદાન’ અંતર્ગત ૫૬૨૫૬ બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પણ મંત્રીના હસ્તે, શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યું હતું. તથા શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી સન્માન પ્રાપ્ત કરનાર દહેગામ લવાડના શિક્ષિકા નીમાબેન ગિરીશકુમાર પારેખ તથા, દહેગામના જીવરાજના મુવાડા શાળાના શિક્ષક બીપીન પુરી ગોસ્વામીને પણ આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.તથા રાજ્યના વિવિધ જિલ્લા સંઘો દ્વારા આ તકે મંત્રીશ્રીઓને નોટબુક અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, આ તમામ નોટબુક જરૂરત મંદ વિદ્યાર્થીઓ માટે આપી એક નવા વિચાર સાથે વિદ્યાર્થીના ભવિષ્યની નીવ મજબૂત બનાવવા નાનકડો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ સન્માન પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણ સંઘની સિદ્ધિઓને યાદ કરતા જણાવ્યું હતું કે,સંઘ દ્વારા શિક્ષણ મંત્રી તરીકે આજે જે સન્માન કરવામાં આવ્યું છે, તે માત્ર અમારુ નહીં પણ ગુજરાતના બાળ દેવનું સન્માન છે.એટલે આ સન્માન મા સરસ્વતીના ચરણમાં સમર્પિત કરીએ છીએ.

આ પ્રસંગે ઉદબોધન કરતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ મજબૂત હશે તો ભારત ને વિશ્વ ગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે એટલે કે,તેનો પાયો પ્રાથમિક શિક્ષણ જ છે, જેને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. આ સાથે જ તેમણે હક અને ફરજ ને સિક્કા ની બંને બાજુ ગણાવતા જણાવ્યું હતું કે, હક માટે જે રીતે સંપૂર્ણ સમર્પણથી લડી શકીએ તે જ રીતે સંપૂર્ણ સમર્પણથી પોતાની ફરજ પણ નિભાવીએ તો, ગુજરાત હંમેશા વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બની રહેશે. અને આ જ ભાવના સાથે આપણે સૌએ વિકસિત ભારતમાં આપણો ફાળો આપવાના સદભાગ્યનું ગૌરવ લેવું જોઈએ. 

આ પ્રસંગે શિક્ષકોને અનુલક્ષીને મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખો કમજોર વિદ્યાર્થીનો અર્થ એ નથી કે તે સક્ષમ નથી, શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થીની યોગ્યતા અને ક્ષમતાને આધારે, ભવિષ્યમાં તેને આગળ વધવાની કેડી કંડારવામાં મદદરૂપ થવાની જવાબદારી નિભાવવાની છે. અને આમ એક ભારત શ્રેષ્ઠ ભારત ના વડાપ્રધાન શ્રી ના સ્વપ્નને શિક્ષણ સાથે જોડવાથી ભારતને વેસ્ટ બનાવવામાં શિક્ષક તરીકે તમે પણ ફાળો આપી શકશો. અને ભવિષ્યમાં શિક્ષિત, સંસ્કાર અને સશક્ત ભારત નિર્માણ માં શિક્ષકના યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 

આ ઉપરાંત 2002 -03 થી શરૂ થયેલ,શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંગે પણ વાત કરી તેના સકારાત્મક પરિણામો આપણે વર્તમાનમાં જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં હાલ શિક્ષણનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે, ત્યારે શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવવાના ગર્વ હોવાનું પણ‌ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધનની શરુઆતમાં, મંચ પરથી જે બે શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે તેમને ખુબ ખુબ અભિનંદન. પાઠવતા ઉમેર્યું હતું કે,માતા પિતા પછી જો કોઈ પવિત્ર અને નિસ્વાર્થ ભાવે બાળકના હિતેચ્છુ હોય તો તે શિક્ષક છે. અને આવા શિક્ષકો અને સરકાર વચ્ચે સંઘ સેતુનું કાર્ય કરે છે. એક સિસ્ટમ સુધારવા માટે નાની નાની ક્ષતીઓને ધ્યાને રાખવી જરૂરી છે, માત્ર કોઈ એક વર્ગ બદલાવાથી સિસ્ટમ નથી બદલાતી. અને આ સિસ્ટમ સુધારવાનું કામ સરકારની સાથે સાથે સંઘ પણ કરી રહ્યો છે. 

વધુમાં શિક્ષણ અંગે તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નથી. મૂળ ભારતીય પરંપરા આધારિત શિક્ષણ અને સંસ્કાર થકી સિંચાયેલ બાળક ભારતને આવતીકાલનું શ્રેષ્ઠ નાગરિક બની શકે છે.અને આ કાર્ય માત્ર સરકાર કે સંઘનું નથી, આપણા સૌના સહિયારા પ્રયાસથી પાર પાડવાનું છે.અને એમાં પણ માત્ર હું જ કામ કરું છું,કે મારાથી જ થાય,એના બદલે મારા ભાગનું અને મારા કર્મનું હું કરું છું,આ વાત સ્વીકારી લઈએ તો કોઈ કાર્ય આપણને થકાડે જ નહીં.આ સમજાવતા મંત્રીએ રામાયણનો પ્રસંગ વર્ણવી સમજ આપી આપણા ભાગે આવેલ ખિસકોલી કાર્ય નિષ્ઠાથી કરવા જણાવ્યું હતું.

આ તકે તેમણે એસ.આઈ.આર અંતર્ગત બી.એલ.ઓની પ્રશંસનિય કામગીરી બદલ અભિનંદન પાઠવતા ઉમેરી હતું કે, શિક્ષકો પર સમાજ વ્યવસ્થાને અને સરકારની ખૂબ ભરોસો છે, જેને કારણે મહત્વના દરેક કાર્યોમાં શિક્ષકો ને સંમિલિત કરવામાં આવે છે. વ્યક્તિ ઘડતર નિર્માણ ઉપરાંત સમાજ વ્યવસ્થામાં પણ શિક્ષકની ભૂમિકા મહત્વની છે. માત્ર રાજ્ય કે રાષ્ટ્ર નહીં પણ વિશ્વસ્તરે કમ્પેરીઝન કરી શકાય એવી શૈક્ષણિક વ્યવસ્થા આપણે ઊભી કરી છે, જેમાં માત્ર ભરતરનું ભાર નહીં પણ ગુણાત્મક શિક્ષણ પર આપણે વધુ ભાર મૂક્યો છે. 

બાળકોને શિક્ષકો આજીવન યાદ રહે છે શિક્ષકો તેમના માટે પહેલો આદર્શ હોય છે,એટલે જ ભાવી ભારતનું સર્જન કરવાની ક્ષમતા શિક્ષકોમાં રહેલી છે.

નવનિયુક્ત મંત્રીના સન્માન સમારંભમાં કેન્દ્રીય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બસવરાજ ગુરીકરજી તથા જોઈન સેક્રેટરી વિનોદ ઠાકરાનજીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કામગીરીને બિરદાવી હતી.

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સંઘના મહામંત્રી જૈમીન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ કાર્યાધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત સંગઠનની કાર્ય સૂચિ વિશે માહિતી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ સૌને આપી હતી. 

આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા તથા નવનિયુક્ત મંત્રીશ્રીના સન્માનમાં વધારો કરતાં રાજ્યના વિવિધ જિલ્લાઓના શિક્ષણ સંઘના પ્રમુખઓ, મહામંત્રીઓ, ઉપપ્રમુખઓ તથા સભ્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment