હિન્દ ન્યુઝ, જામનગર
ડિસેમ્બર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના આહ્વાનને સાકાર કરવા અને આ ઘાતક રોગ વિશે જનજાગૃતિ લાવવાના હેતુથી શ્રી ધુંવાવ કન્યા શાળા ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાની ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓને ટીબી રોગના ફેલાવા, તેના લક્ષણો અને સરકાર દ્વારા મળતી વિનામૂલ્યે સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ટીબી એ હવા દ્વારા ફેલાતો જંતુજન્ય રોગ છે, જેના લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ ખાંસી, ગળફામાં લોહી આવવું, વજન ઘટવું અને સાંજના સમયે ઝીણો તાવ આવવો વગેરેનો સમાવેશ થાય છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને નિદાન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય તરીકે નિ-ક્ષય પોષણ યોજના (NPY) હેઠળ હવે દર મહિને રૂ.૫૦૦ ને બદલે રૂ. ૧,૦૦૦ ની સહાય આપવામાં આવે છે, જે સમગ્ર સારવાર દરમિયાન કુલ રૂ. ૬,૦૦૦ સુધી મળવાપાત્ર રહે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ.પંકજકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પી.પી.એમ કોર્ડીનેટર ચિરાગ પરમાર અને ટીબી સુપરવાઈઝર વિમલ નકુમ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા અને હોમિયોપેથી ડૉક્ટર ભીમણી દેવેન્દ્રભાઈએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી હતી.
ટીબીની સારવાર લાંબો સમય ચાલતી હોવાથી દર્દીને આર્થિક સહાયની સાથે માનસિક પીઠબળ મળી રહે તે અત્યંત અનિવાર્ય છે. આ સેવાકાર્યમાં સહભાગી થવા માટે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, શાળાના શિક્ષકો નયનાબેન નકુમ, ઇલાબેન શાપરીયા, વિશાલ ઝાલા તેમજ ડૉ. ભીમણી દેવેન્દ્રભાઈ અને ગામના આગેવાન રતિલાલ જાદવ ‘માય ભારત વોલેન્ટિયર’ તરીકે ‘નિ-ક્ષય મિત્ર’ માં જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ ટીબીના દર્દીઓને સામાજિક અને માનસિક ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
