હિન્દ ન્યુઝ, જામનગર
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટે વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગેના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર તાલીમ આપવાનો હતો, જેથી તેઓ રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિઓ અપનાવી શકે.
આ તાલીમ દરમિયાન કૃષિ વિભાગના નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો જેમ કે બીજામૃત, જીવામૃત, અને ઘનજીવામૃત બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા વિશે વ્યવહારિક સમજ આપી હતી. ઉપરાંત, જમીનના સ્વાસ્થ્યનું સંવર્ધન, પાણી સંરક્ષણની પદ્ધતિઓ અને વૈકલ્પિક વાવેતર પદ્ધતિઓ અંગે પણ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નિષ્ણાતોએ રાસાયણિક મુક્ત ખેતીથી થતી આર્થિક બચત અને પાકની ગુણવત્તામાં થતા સુધારા વિશે પ્રાયોગિક માહિતી રજૂ કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
દરેક તાલીમ સત્રના અંતે ખેડૂતો પાસે સ્વદેશી શપથ લેવડાવવામાં આવ્યા જેમાં તેઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ, સ્થાનિક ઉદ્યોગોના પ્રોત્સાહન અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી.જામનગર જિલ્લામાં આગામી સમયમાં પણ આવા માર્ગદર્શન કાર્યક્રમો દ્વારા વધુ ખેડૂતોને જોડીને પ્રાકૃતિક ખેતીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક બનાવવાનું આયોજન છે.
