હિન્દ ન્યુઝ, ભાવનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તા.૧૩ નવેમ્બર,૨૦૨૫ ગુરૂવારની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં આપવામાં આવેલ સૂચના અન્વયે ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મ્યુનિસિપલ ઈજનેરને સાથે રાખીને ભાવનગર જિલ્લાની તળાજા અને મહુવા નગરપાલિકાના નગરપાલિકા હસ્તકના ડી.એલ.પી. (ડિફેક્ટ લાયેબીલીટી પીરીયડ) અને નોન ડી.એલ.પી. રોડ તેમજ અન્ય વિકાસ કામોની ચકાસણી અર્થે મુલાકાત લેવામાં આવી હતી.
પ્રાદેશિક કમિશનર દ્વારા તળાજા નગરપાલિકામાં નગરપાલિકાથી માયા પેટ્રોલપંપ સુધીનો રોડ, માયા પેટ્રોલ પંપથી ગાંધીજીના સ્ટેચ્યુ સુધીનો રોડ, મહુવા ચોકડીના રોડ-રસ્તાના કામની ચકાસણી કરવામાં આવી હતી. તળાજા નગરપાલિકા હસ્તકના પબ્લીક ટોઈલેટ અને યુરીનલની સ્થળ મુલાકાત લઈને ચકાસણી કરવામાં આવી. તળાજા નગરપાલિકામાં અમૃત ૨.૦ યોજના હેઠળ ચાલી રહેલ પાઈપલાઈન લેઈંગના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તળાજા નગરપાલિકામાં કુલ ૨૦.૦૫ કિ.મી.નો રોડ છે. જે પૈકી હાલની સ્થિતિએ ૬.૪૭ કિ.મી. રોડ રીસર્ફેસીંગ કરવાનું બાકી છે. જેમાં ૫.૧૫ કિ.મી. સી.સી. અને ૧.૩૨ કિ.મી. બીટુમીન પ્રકારના રોડનું રીસર્ફેસીંગ બાકી છે. પ્રાદેશિક કમિશનર દ્વારા રોડ રીસર્ફેસીંગની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવા, નગરપાલિકા વિસ્તારમાં જરૂરી સ્ટ્રોમ વોટર ડ્રેઈનનો સર્વે કરી સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી પૂર્ણ કરવા તેમજ નગરપાલિકા હસ્તકના બંધ હાલતમાં હોય તેવા પબ્લીક ટોઈલેટ અને યુરીનલ તાત્કાલીકની મરામત કરી તાત્કાલીક ચાલુ કરાવવા ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી. શહેરનો પધ્ધતિસર વિકાસ થાય તે માટે આગાઉથી આયોજન કરી કામો નક્કી કરવા સમીક્ષા કરી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાદેશિક કમિશનર દ્વારા મહુવા નગરપાલિકામાં આંબેડકર ચોકથી ખોડિયાર મંદિર બાજુનો રસ્તો, ગાંધીબાગ થી કુબેરબાગ વચ્ચે આવેલ ડી.એલ.પી. વાળા રોડ-રસ્તાના કામની ચકાસણી કરવામાં આવી હતી. મહુવા નગરપાલિકા હસ્તકના જશવંત મહેતા ભવન અને હાલ નિર્માણાધીન ટાઉનહોલની જગ્યાની મુલાકાત લીધી. મહુવા નગરપાલિકામાં કુલ ૧૦૨.૮ કિ.મી. રોડ છે. જે પૈકી હાલની સ્થિતિએ ૦.૫૫૫ કિ.મી.નું રોડ રીસર્ફેસીંગ બાકી છે. જેમાં ૦.૨૫૦ કિ.મી. બ્લોક અને ૦.૩૦૫ કિ.મી. સી.સી. પ્રકારના રોડનું રીસર્ફેસીંગ બાકી છે. પ્રાદેશિક કમિશનર દ્વારા રોડ રીસર્ફેસીંગની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવા સૂચના આપી. નલ સે જલ યોજના અંતર્ગત જી.યુ.ડી.સી. દ્વારા પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી હતી જેના કારણે રસ્તાઓ તુટી ગયા છે. જે અન્વયે પ્રાદેશિક કમિશનર દ્વારા જી.યુ.ડી.સી.ના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિને તુટી ગયેલ રસ્તાઓના રીપેરીંગ તાત્કાલીક કરાવવા બાબતે રૂબરૂ સૂચના આપી હતી. મહુવા નગરપાલિકા હસ્તકના જે ડી.એલ.પી. રસ્તાઓ તુટી ગયા છે, તેના કોન્ટ્રાક્ટર, કંપનીને તાકીદે નોટીસ આપી રીપેરીંગની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરાવવા તથા બ્લેક લીસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા ચીફ ઓફિસર તથા મ્યુનિસિપલ ઈજનેરને સૂચના આપવામાં આવી હતી.
તા.૧૩ નવેમ્બર, ૨૦૨૫ને ગુરૂવારે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાન – સી.એમ. હાઉસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, શહેરી વિકાસ વિભાગના રાજયમંત્રી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના મુખ્યસચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારીઓની રાજ્યમાં તુટેલા રસ્તા, રિસર્ફેસિંગ-રીપેરીંગ કામોની સમીક્ષા માટે બેઠક બોલાવાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં છેલ્લાં વર્ષમાં નિર્માણ પામેલા જે રસ્તા તૂટ્યા હોય, ધોવાયા હોય તેવા માર્ગોને બાંધનારા કોન્ટ્રાક્ટર, કંપનીઓને તત્કાળ બ્લેકલિસ્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને મહાનગર તથા નગરપાલિકાઓ હસ્તકના રોડ-રસ્તાઓની મુલાકાત લેવા સૂચના આપવામાં આવી હતી.
