હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મિયાત્રા ગામે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને રૂ.૭લાખ ૭૫હજારના ખર્ચે ગ્રામ પંચાયત ભવન પાસે સીસી રોડ અને પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન ગામના પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવશે, જ્યારે સીસી રોડ અને કમ્પાઉન્ડ વોલના વિકાસકાર્યો ગામના નાગરિકોને સુવિધાજનક માર્ગસંચાર તેમજ શાળા પરિસરમાં સુરક્ષા અને સુવિધાનો સીધો લાભ પહોંચાડશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શહેરોની સાથે ગામડાઓમાં પણ અત્યાધુનિક સુવિધાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહ્યો છે. સુજલામ સુફલામ જળ યોજના હેઠળ જળાશયોમાં વધારાનું પાણી ઠાલવવામાં આવે છે. જેના થકી ખેડૂતો વર્ષ દરમિયાન એક કરતા વધારે વખત પાકોનું વાવેતર કરી બમણી આવક મેળવી શકે છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. ગુજરાત સરકાર સર્વાંગી વિકાસ સાથે ખેડૂતોને પણ ફાયદો થાય તે દિશામાં કામગીરી કરી રહી છે.
આ કાર્યક્રમમાં અગ્રણી ડૉ.વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના સદસ્ય ભાનુબેન, અગ્રણી કુમારપાળસિંહ રાણા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા, આજુબાજુના ગામના સરપંચ નીલેશભાઈ, રાજભા, દિવ્યેશભાઈ, જીગ્નેશભાઈ, આગેવાનો, અધિકારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
