આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ
હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતમા સૌ પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગ જિલ્લામા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામ વધી રહ્યો છે. જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો આગ્રહ રાખી, પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરીને સાચુ જીવન જીવ્યાના સુખદ અનુભવોને કારણે સુબીર તાલુકાના ચિખલી ગામના ખેડુત સુકીરાવભાઇ ગાયકવાડ અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
CRPF ની બ્લેક કમાન્ડો સેવામાંથી વય નિવૃત્ત થયેલા સુબીર તાલુકાના પ્રગતિશીલ ખેડુત શ્રી સુકીરાવભાઇ ગાયકવાડે, પોતાની બંજર જમીનમા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે. આ ખેડુત અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી, જિલ્લામા માસ્ટર ટ્રેનર તરીકે હાલ સેવા આપી રહ્યા છે. સાથે દરેક પ્રકારના પાકની પ્રાકૃતિક ખેતી પધ્ધતિ મુજબ ખેતી કરી અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક રૂપ બન્યા છે.
પ્રાકૃતિક ખેતીને પરમાત્માએ સોંપેલુ સૌભાગ્ય ગણી પ્રાકૃતિક ખેતી અંગે પોતાની ગૌરવશાળી સફર વિશે ડાંગના સુબીર તાલુકામા સમાવિષ્ટ ચિખલી ગામના ખેડુત સુકીરાવભાઇ જણાવે છે કે, વર્ષ ૨૦૧૩ માં સેવા નિવૃત થઇ, પોતાની બંજર જમીનમા ખેતી કરવાનુ વિચાર્યું હતુ. આ જમીનમા વર્ષો પહેલા રાસાયણિક ખેતી કરવામા આવતી હતી. પરંતુ પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજીને તેઓ પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવવા આત્મા પ્રોજેક્ટમા જોડાયા. જેમા વડતાલ ખાતે સુભાષ પાલેકરજીની ૭ દિવસીય તાલીમ મેળવી, અને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી હતી.
ત્યાર બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો, તેમજ અન્ય ખેડૂતોને પણ તેઓ પ્રાકૃતિક કૃષિનુ મહત્વ સમજાવ્યુ. તેઓએ પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયોમો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્મનિઅસ્ત્ર જેવા આયામોનો ઉપયોગ કરી ગાય આધારીત ખેતીની શરૂઆત કરી.
પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદાઓ જણાવતા સુકીરાવભાઇ જણાવે છે કે, મારી જમીનમા પ્રાકૃતિક ખેતી કરવાથી ઓછો ખર્ચ અને આવક વધુ મળે છે. સાથે સાથે મારી જમીનની તંદુરસ્તી પણ સારી રહે છે, અને શરીરનુ સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. તેમજ પ્રાકૃતિક ખેતીના કારણે ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
સુકીરાવભાઇએ પોતાની ૬ હેક્ટર જમીનમા એક હજારથી વધુ કેસર આંબાનુ વાવેતર કર્યું છે. પ્રાકૃતિક પધ્ધતિથી ઉગાડેલા આંબાને કારણે તેને આબોહવા અસર કરતી નથી. તેઓ સિઝનમા પ્રતિ વર્ષ ૨ થી ૩ લાખની આવક આંબામાંથી જ મેળવે છે.
આ ઉપરાંત તેઓ ફળાઉ વૃક્ષ, વિવિધ શાકભાજી તેમજ ડાંગર, નાગલી, અડદ વિગેરેની પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેઓ ખાતર તરીકે જીવામૃત, ઘનજીવામૃત તથા અન્ય જંતુનાશક અસ્ત્રોનો અચુક ઉપયોગ કરે છે. જેના કારણે પાક સારો આવે છે, અને જમીનને ઝેર મુક્ત રાખે છે.
વધુમા તેઓ માસ્ટર ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા છે. જેમા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ તેમજ પોતાના મોડેલ ફાર્મની ખેડૂતોને મુલાકાત કરાવે છે.
સુકીરાવભાઇએ ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાતા તેમજ પ્રાકૃતિક કૃષિ માટે સરકારની વિવિધ સહાય અને યોજનાઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
