હિન્દ ન્યુઝ, ભાવનગર
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા તા. ૨૩/૦૬/૨૦૨૫ ના રોજ ભૂલા પડેલ એક મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મોકલવામાં આવ્યા હતા. મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ સુરત તેમના દીકરાને મળવા માટે જતા હતા પરંતુ ભૂલથી બીજી ટ્રેનમા બેસી જતા બિહારથી ભાવનગર આવી પહોચ્યા હતા. ઉમરાળા તાલુકાના ઇંગોરાળા રેલ્વે ફાટક પાસેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો કે એક ભુલા પડેલ વૃદ્ધ મહિલા રેલવેના પાટા પાસે આટા મારતા જોવા મળ્યા છે. જેથી તેમની મદદ માટે ૧૮૧ ને બોલાવવામાં આવી હતી. સેવાભાવી વ્યક્તિ દ્વારા મહિલાનો વિડીયો ઉતારી રેલ્વે પોલીસ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપમાં મોકલી ભુલા પડેલ મહિલાને મદદ કરવા જણાવ્યુ હતું.
મહિલાના દીકરાએ બિહારના રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેમની માતા ગુમ થયા અંગેની ફરિયાદ કરી હતી. જેથી તેમની પાસે એ વિડીયો પહોચતા તેમણે ઉમરાળાના સેવાભાવી વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો અને તેમની માતાને સુરક્ષિત જગ્યાએ રાખવા જણાવ્યું હતું. ૧૮૧ દ્વારા વૃદ્ધ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવ્યા હતા.
મહિલાનાં દીકરાને તા.૨૭-૦૬-૨૦૨૫ના રોજ બિહારથી ભાવનગર બોલાવવામાં આવ્યા હતા. મહિલા રૂબરૂમાં તેમના દીકરાને ઓળખે છે કે નહી તેની ખાતરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના દીકરાએ જણાવ્યું કે, મારા માતા બિહારમાં અમારા ઘરે એકલા રહે છે અને અમારે સુરતમાં ધંધો હોવાથી હું મારા પરિવાર સાથે સુરત રહું છુ. મારી માતાને અમારી સાથે રહેવા જણાવેલ પરંતુ મારી માતાને ત્યાં ગમતું ન હોવાથી એ બિહારમા અમારા વતનમા જ રહે છે. હું થોડા દિવસે તેમના ખબર અંતર પૂછીને પૈસા પણ મોકલું છુ. પરંતુ છેલ્લા એક મહિનાથી તે ઘરેથી નીકળી ગયા છે. મે તેમને શોધવા માટે તેમના ગુમ થયા અંગેની ફરિયાદ પણ બિહાર પોલીસમાં લખાવેલ હતી અને તેમના ગુમ થયા અંગેના પોસ્ટર પણ બનાવી જાહેર જગ્યાએ લગાવેલા હતા. જેમાં આ સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા મારી માતાની જાણ થઈ અને હું તેમને લેવા માટે અહી સુધી પહોચી શક્યો અને તમે મારી માતાને સુરક્ષિત જગ્યા પર રાખ્યા અને મારી સાથે મિલાપ કરાવ્યો. જેથી હું સેન્ટરનો ખુબ આભારી છું.
મહિલાનો દીકરાના આઈ. ડી. પ્રૂફથી ખરાઈ કરી હતી. મહિલા તેમના દીકરા સાથે જવા માંગતા હોવાથી એક મહિનાથી રખડતું-ભટકતું જીવન જીવતા વૃદ્ધ મહિલાને તેમના દીકરાને સોંપી પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. હાલ ભાવનગર જીલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર જેલ ગ્રાઉન્ડ પાછળ, શ્યામલ ફ્લેટ પાસે, વિદ્યાનગર ખાતે ૨૪X૭ કલાક કાર્યરત છે.
ક્રિષ્ના ધોબી
