વડોદરા,
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરામાં રહેતા સિરાજભાઇ મજીદભાઇ ડબગર અને તેમનો મિત્ર અબ્બાસભાઇ IDFC બેંકમાં છેલ્લા 4 વર્ષથી લોનના નાણાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓને મેમણ કોલોનીમાં ટુ-વ્હીલર લોનના EMI લેવા માટે સન્ની મેમણ નામના કર્જદારે બોલાવ્યો હતો. જ્યાં તેણે પોતાના સાગરીતો સાથે મળીને લોનનો બાકી પડતો હપ્તો લેવા ગયેલા બે કલેક્શન એક્ઝિક્યુટિવ ઉપર ગુપ્તીથી જીવલેણ હુમલો કર્યો હતો.
ગુપ્તીથી જીવલેણ હુમલો કરીને આરોપીઓ ફરાર ઇજાગ્રસ્ત સિરાજભાઇ ડબગરના મિત્ર આકાશભાઇએ જણાવ્યું હતું કે, સન્ની મેમણ પાસે ટુ-વ્હીલર લોનના બાકી પડતા 10 હજાર રૂપિયા લેવાના હતા. અવાર-નવાર સિરાજભાઇ ફોન કરતા હતા. આજે પણ ફોન ઉપર વાત થઇ હતી. સન્ની મેમણે લોનનો બાકી પડતો લોનનો હપ્તો લેવા માટે સિરાજભાઇને મેમણ કોલોનીમાં બોલાવ્યો હતો. સિરાજભાઇ તેના અન્ય સાથીદાર અબ્બાસભાઇ સાથે મેમણ કોલોની લોનનો હપ્તો લેવા માટે ગયા હતા. જ્યાં સન્ની મેમણે અને તેના સાગરીતોએ કલેક્શન એક્ઝીક્યુટીવ સીરાજભાઇ ડબગર અને અબ્બાસભાઇ ઉપર ગુપ્તી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા.
જીવલેણ હુમલામાં ઇજા પામેલા બંને કલેક્શન એક્ઝિક્યુટિવને એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સિરાજભાઇની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને થતાં તુરંત જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા