હિન્દ ન્યુઝ, બોટાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે બોટાદ જિલ્લામાં હીટવેવથી બચવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારોનાં કારણે અને વધુ પડતી ગરમી(લૂ)ની અસરથી બચવા માટે જનહિતમાં લોકોનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં, લૂથી બચાવ માટેનાં કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતાં શ્રમિકો, રોડકામ કરતાં તથા બાગ બગીચાનું કામ કરતાં શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી વધારે રહેલી છે.
જેથી ભારે ગરમીથી બચવા માટે ખોરાકની સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ છે. શ્રમિકોને માથે ભીનો રૂમાલ કે ફાળિયું બાંધવું જોઈએ અને શક્ય હોઈ તેટલું પાણી, લીંબુ સરબત, મોળી છાસ, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ પીવું હિતાવહ છે.
-: લૂ થી બચવા આ મુજબનાં પગલાં લેવા જોઈએ :-
લૂ લાગવાના/સનસ્ટ્રોકનાં વિવિધ લક્ષણો તરત જ ઓળખી શકાય તેવા હોય છે જેમકે, દર્દીને જ્યારે સન સ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુ:ખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું. ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રારંભિક લક્ષણો જોઈ શકાય છે. અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે.
નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. સીધાં સૂર્યપ્રકાશમાં જવાથી બચવું જોઈએ, તેમજ શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમ્યાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ. ગરમીની ઋતુમાં સફેદ રંગનાં સુતરાઉ કાપડના ખુલતાં અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવાં જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. તેમજ બજારમાં વેચાતાં બરફનો ઉપયોગ ટાળવો જોઈએ.
આયુર્વેદમાં જણાવ્યાં અનુસાર, ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, તખમરિયા, લીંબુ સરબત પીવું જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. લૂ લાગવાનાં અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.