હિન્દ ન્યુઝ, બોટાદ
ખેડૂતમિત્રો ચાલું વર્ષે ઉનાળું પાકોનું વાવેતર સારું એવું થયેલ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં મુખ્ય તલ પાકનું વાવેતર થયું છે, ત્યારબાદ મગફળી, બાજરી, મગ, અડદ, શાકભાજીનાં પાકો (ભીંડો, ગુવાર, તુરિયા, ચોળી, વિગેરે) અને ઘાસચારાનું વાવેતર થાય છે. ઉનાળું પાકોમાં પાક ઉત્પાદન સારું મળતું હોય છે જેનું મુખ્ય કારણ ઉનાળું સિઝનમાં ચોમાસું સિઝનની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. તેમ છતાં ઉનાળું સિઝનમાં તાપમાન ઊંચું રહેવાના કારણે ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે રહે છે. શાકભાજીનાં પાકોમાં ખાસ કરીને ભીંડામાં પાન કથીરીનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.
ઉનાળું સિઝનનાં પાકોમાં જોવા મળતી અને નુકસાન કરતી જીવાતો :- વિશે વાત કરીએ તો, તલ પાકમાં આવતી પાન વાળનારી ઇયળ :- ખેડૂતો, આ જીવાતને તલનાં “માથા બાંધનારી ઈયળ” નાં નામથી પણ ઓળખે છે. પાકના વાવેતર પછી તરત જ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવાથી જીવાતનાં કૂદાનો નાશ થતાં જીવાત કાબૂમાં રહે છે. જરૂર જણાયે કિવનાલફોસ ૨૦ મિ.લિ. અથવા ક્લોરોપાયરીફોસ + સાયપરમેથ્રીન ૨૦ મીલી. અથવા ઈમામેક્તીન બેંઝોએટ ૭ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપોલ ૫ મીલી પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થાય છે.
તલનું ભૂંતીયું કુદું :- રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવવાથી કૂદાનો નાશ થતા જીવાત કાબૂમાં રહે છે. વધારે ઉપદ્રવ હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
સફેદ માખી :- આ જીવાત તલ, મગફળી, બાજરી, શાકભાજીનાં પાકો વગેરે તમામ ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ જીવાત સફેદ પાંખવાળી હોય છે. બચ્ચાં ચપટા, અંડાકાર અને ભીંગડા જેવાં હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની સપાટીએ સપાટીએ રહી રહી પાનમાંથી રસ ચૂસે છે, જેને પરિણામે પાન પર પીળાશ પડતાં ડાઘ પડે છે. વધારે ઉપદ્રવ હોય તો પાન પીળું પડી જાય છે. બચ્ચા ચીકણાં મધ જેવાં પદાર્થનો સ્ત્રાવ કરે છે જે પાનની સપાટી અને ફૂલોને ઢાંકી દે છે જેથી છોડનાં વિકાસમાં અવરોધ ઊભો થાય છે. વધુમાં આ જીવાત ભીંડામાં આવતી પીળી નસના રોગના વાહક તરીકે કામ કરે છે.
તડતડિયા (લીલી પોપટી) :- આ જીવાત પણ ઉનાળું બધાં જ પાકોમાં જોવા મળતી હોય છે. પુખ્ય (તડતડિયા) શંકુ આકારનાં આછાં લીલાં કે પીળાશ પડતાં રંગનાં અને ત્રાંસા ચાલવાની ટેવવાળા હોય છે. બચ્ચાં અને પુખ્ત એમ બંન્ને છોડનાં કુમળાં પાનમાંથી રસ ચુસીને નુકશાન કરે છે પરિણામે પાન પીળા પડીને ઉપરની તરફ કોકડાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય હોય તો પાન સુકાઈને ખરી પણ પડે છે.
થ્રીપ્સ :- આ જીવાત નાની, નાજુક, શંકુ આકારની, ફીક્કા પીળા રંગની અને કાળી પાંખોવાળી હોય છે. તે નરી આંખે અનુભવ વગર સ્પષ્ટ જોઈ શકાતી નથી. બચ્ચા ખૂબ જ નાનાં અને પાંખો વગરના હોય છે. વધુ ઉપદ્રવિત ફુલનો ભાગ ચીમળાઈ જાય છે અને આ જીવાત બડ નેક્રોસીસ નામનાં વાયરસનો ફેલાવો કરે છે. પુખ્ત કીટક અને નાનાં બચ્ચા પુષ્કળ સંખ્યામાં પાનની નીચેની બાજુએ તથા કુમળી કૂંખોમાં રહીને નુકસાન કરે છે.
ચુસીયા જીવાતોનું સંકલીત નિયંત્રણ :- પાકને વાવતા પહેલાં જંતુનાશક દવાની બીજ માવજત આપવી જેથી શરૂઆતનાં ૩૦ દિવસ સુધી ચુસીયા જીવાત સામે રક્ષણ મળી રહે. ચુસીયા જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવીકે એસીટામીપ્રીડ પ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૫ મીલી અથવા ડાયમીથોએટ (રોગર) ૩૫ મીલી અથવા બાયફેન્થ્રીન ૨૦ મીલી બાયફન્દ્રીન અથવા ટોલફેનપાઈરાઈડ ૨૦ મીલી દવા સાથે નર્મદા નીમ લીમડા આધારીત ૦.૧૫% એઝાડીરેકટીનવાળી દવા ૩૦ મી.લી પૈકી કોઈપણ દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ.
પાન કથીરી :- આ જીવાતનો ભીંડાનાં પાકમાં ખુબ જ ઉપદ્રવ જોવા મળે છે. પુખ્ત લાલ રંગના હોય છે જ્યારે બચ્ચા નારંગી રંગના હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની સપાટીએ પોતાનાં શરીરમાંથી નીકળતાં રેશમના તાતણાંની બારીક જાળી બનાવી અંદર રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેને કારણે પાન પર સફેદ પીળાશ પડતા રંગનાં ધાબા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો બધાં જ પાન પીળા પડી બદામી રંગનાં થઈ આખરે ખરી પડે છે.
નિયંત્રણ :- કથીરીના અસરકારક નિયંત્રણ માટે ઈથીયોન ૫૦% ઈ.સી. ૨૫ મીલી. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈ.સી. ૧૦ મી.લી. અથવા ફેનાઝાકવીન ૧૦ ઈ.સી. ૧૦ મી.લી. દવા ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ભીંડાની ડુંખ અને ફળ કોરી ખાનારી ઇયળ :- આ જીવાતની ઈયળ મેલા સફેદ રંગની, કાળાં માથાવાળી અને શરીર ઉપર કાળાં અને બદામી રંગનાં ટપકાંવાળી હોય છે આથી તે “કાબરી ઇયળ” તરીકે પણ ઓળખાય છે. ઇયળ પાકની શરૂઆતમાં ભીંડાની કૂમળી ડુંખો અને કળીઓ કોરી ખાય છે છે જેથી ડુંખો ચીમળાઈ જઈ લબડી પડે છે. ભીંડા ઉપર શિંગો બેસતાં ઇયળ શિંગમાં કાંણુ પાડી અંદર દાખલ થઇ ગર્ભ કોરી ખાય છે જેને લીધે ઘણીવાર શિંગો વાંકી વળી ગયેલી જોવા મળે છે તથા વેચવાને લાયક રહેતી નથી.
સંકલીત નિયંત્રણ :- ભીંડાની ચીમળાઈ ગયેલી ડુંખો ઈયળો સહિત તોડી નાશ કરવાથી કાબરી ઈયળનો ઉપદ્રવ કાબૂમાં રહે છે. ઈયળથી નુકસાન પામેલ ભીંડાની શીંગો ભેગી કરી તેને જમીનમાં ઊંડે દાટી દેવી, ભીંડાની વીણી દર બીજા કે ત્રીજા દિવસે કરવાથી કાબરી ઈયળનું નુકસાન ઘટાડી શકાય છે. ભીંડાના પાકની જીવાતોના નિયંત્રણ માટે વનસ્પતિ જન્ય જંતુનાશકો જેવાં કે નર્મદા નીમ લીમડા આધારીત ૦.૧૫ % એઝાડીરેકટીનવાળી દવા ૪૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ૧૫ દિવસનાં અંતરે ૪ છંટકાવ કરવો જોઈએ. રાસાયણિક દવાઓ ક્વિનાલફોસ ૨૫ ઈસી (૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણી અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. (૩ મિ.લી./૧૦ લિટર પાણી પૈકી કોઈપણ દવાનો છંટકાવ વારાફરતી કરવો જોઈએ.