હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી બુધાભાઈ બારીયા અને તેમની પત્ની નીતાબેન બારીયા બન્ને સાથે મળીને વર્ષ ૨૦૧૬ થી પ્રાકૃતિક ખેતી કરે છે. આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ જોધપુર, જયપુર, અડાલજ, ત્રિમંદિર અને કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ખેતર પર ૧૦ દિવસની તાલીમ લીધા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની શરૂઆત કરી હતી.
તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અલગ અલગ ખેતી કરે છે. શાકભાજીમાં ટામેટા, ભીંડા, મરચા, સીમલા મિર્ચ, રીંગણ, ગવાર, ચોળી સહિતના શાકભાજી અને સ્ટ્રોબેરી તેમજ સીઝન મુજબ નર્સરીમાં શાકભાજીના રોપાનું વાવેતર કરે છે, જે થકી તેમને વાર્ષિક ૦૩ લાખથી વધુની આવક થાય છે.
ખેડૂત શ્રીમતી નીતાબેન બારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમે ૨૦૧૬ માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે, યુરિયા ખાતર સિવાય તો ખેતી કઈ રીતે કરવાની..? પહેલાં તો લાગતું ન હતું. પહેલા વર્ષે પ્રાકૃતિક રીતે કરેલી ખેતીમાં વધારો થયો, ખર્ચ ઘટ્યો તેમજ પથ્થરો વાળી જમીનમાં પણ ખેતી કરવાથી સારું પરિણામ મળ્યું. એટલે અમે અમારા બધાય ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. આજે ૧૦ વર્ષનો પ્રાકૃતિક ખેતીનો અનુભવ મને મોટો ફાયદો આપે છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગેની વાત કરતા કહ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં થતો ખર્ચ ઘટે છે, આવક બમણી થાય છે, જમીન ફળદ્રુપ બને અને ખેતીમાં પિયતની સંખ્યા ઘટી, જમીનમાં ભેજની ક્ષમતા વધે છે, વરસાદના પાણીનો સૌથી વધુ સંગ્રહ થાય છે, જેના કારણે પાણીના તળ ઉપર આવે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલ અનાજ, શાકભાજી અને ફળ-ફળાદી ખાવાથી જેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન-પ્રોટીન મળી રહે છે અને સાથે રોગમુક્ત રહી શકાય છે.
અમને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને મદદરૂપે મોડલ ફાર્મની રૂપિયા ૧૩,૫૦૦ અને બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકારશ્રીની યોજના હેઠળ સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી વિકાસ હેઠળ રૂપિયા ૦૨ લાખ ૨૭ હજાર ૫૦૦ ની સહાય આપવામાં આવી છે, જે બદલ સરકારશ્રીની ખૂબ ખૂબ આભાર માનું છું.
