હિન્દ ન્યુઝ, રાજકોટ

    આધુનિક ટેકનોલોજીયુક્ત માધ્યમો સામે પરંપરાગત માધ્યમોના કલાકારો પોતાની કલાને જીવંત રાખવા અને છેવાડાના માનવી સુધી મનોરંજન સાથે માહિતી પીરસવા ગામે ગામ ફરી તનતોડ મહેનત કરતા હોય છે. પ્રાચીન કલાઓને જીવંત રાખવા વૈશ્વિક સ્તરે પણ સામૂહિક પ્રયાસો થાય છે.

દર વર્ષે ૨૧મી માર્ચ “વિશ્વ કઠપૂતળી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભવાઈ, ડાયરો, નાટક, કઠપૂતળી કે પરંપરાગતના અન્ય કલાકારો આધુનિક ટેકનોલોજીના સમયમાં પોતાની કલાની પ્રસ્તુતિ કરી રોજગારી મેળવવાની સાથે કલાને જીવંત રાખી શકે તે જરૂરી છે. ત્યારે પરંપરાગત માધ્યમોના કલાકારોને જન કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યક્રમો આપીને રાજ્યના માહિતી ખાતા સહિતના વિભાગ દ્વારા આજે પણ આ કલાકારોને સન્માનિત કરવામાં આવે છે.

રાજકોટમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રામુભાઈ ભાટને તેમના વડવાઓ દ્વારા વારસામાં કઠપૂતળીનો વ્યવસાય મળ્યો છે. છેલ્લા ૪૫ વર્ષથી વિવિધ વિસ્તારોમાં કઠપૂતળીના કાર્યક્રમો યોજતા રામુભાઈ કહે છે કે, મારા ત્રણેય સંતાનો પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ આજે ફક્ત આ વ્યવસાય પર ઘર નથી ચાલતુ, નાના મોટા અન્ય વ્યવસાય પણ સાથે કરવા પડે છે. રાજ્ય સરકાર પરંપરાગત માધ્યમોના કલાકારોને પ્રોત્સાહન આપે છે. માહિતી ખાતુ, આરોગ્ય વિભાગ, નશાબંધી વિભાગ સહિત કચેરીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે પરંપરાગતના અન્ય માધ્યમો સાથે કઠપૂતળી દ્વારા પણ વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.

રામુભાઈએ કહ્યું કે, એક સમયે ૩૨ પૂતળીના ખેલ જોવા ગામના ચોરે કે ગરબીચોકમાં આખું ગામ ઉમટી પડતું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગામ લોકો ફાળો કરી આપતા જેનાથી કલાકાર અને તેમના પરિવારનું ગુજરાન ચાલતું. પરંતુ આજે સમય બદલાયો છે. હાલ, મનોરંજનની સાથે-સાથે પોલિયો નાબૂદી, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, વૃક્ષ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો સહિત સરકારની જન કલ્યાણકારી યોજનાઓના પ્રચાર માટે કઠપૂતળીના માધ્યમથી લોકોને મનોરંજન સાથે માહિતી આપવામાં આવે છે.

Related posts

Leave a Comment