હિન્દ ન્યુઝ, રાજકોટ
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જામકંડોરણાના રાયડી મુકામે નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી જામકંડોરણા દ્વારા મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સશક્ત બનાવવા ભ્રૂણ હત્યા નાબૂદીથી માંડી તેમને આર્થિક સશક્ત બનાવવા સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશ તો જ મજબૂત બનશે, જો તેનું ભાવિ ઘડતર કરનાર મહિલાઓ મજબૂત હશે, આ માટે જ તમામ મહિલાઓને પોતાની શક્તિઓને જાણી જાગૃત બનવા સંકલ્પ લેવા પંચાયત પ્રમુખશ્રી રંગાણીએ અપીલ કરી હતી.
સંમેલન ખાતે ૧૮૧ અભયમ હેલ્પલાઇનના શ્રી લતાબેન ચૌધરીએ હેલ્પલાઇન વિશે માહિતી આપી, એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલરએ તમામ સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી. જામકંડોરણા તાલુકાના નારી અદાલતના કો-ઓર્ડીનેટર મિતલબેન કંડોરીયાએ સ્ત્રીઓના આધુનિક સ્વરૂપ વિષે જણાવી સ્ત્રી પુરુષ સમાનતા, કામકાજના સ્થળે સ્ત્રીઓની સુરક્ષા, નારી અદાલતની કામગીરી અને ન્યાયિક પ્રક્રિયા વિશે જણાવ્યું હતું.