હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી હતી.
ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હેઠળ શાળા કોલેજ ઉપરાંત ડ્રગ્સ વેચાણ સાથે જોડાયેલા જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં પણ કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો હાથ ધરવા અધિક પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપી હતી. રાજકોટ શહેરમાં ડ્રગ્સ વેચાણ કરતા લોકો પર હાલમાં જ કડક હાથે કામગીરી કરવામાં આવી છે ત્યારે, અન્ય લોકો આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ છોડી દે માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે, તેમ અધિક પોલીસ કમિશનરએ દિશાનિર્દેશ કર્યા હતાં.
બગડિયાએ યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેંશન પર ભાર મૂકી જનજાગૃતિ અભિયાન અસરકારક રીતે આગળ વધારવા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ કોલેજ અને યુનિવર્સીટીના અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ઉપસ્થિત ડી.સી.પી. ઝોન -૧ શ્રી સજ્જનસિંહ પરમારે ડ્રગ્સની સામાજિક તેમજ આર્થિક દુરોગામી અસરો વિષે જણાવી ખાસ કરીને પેરેન્ટ્સ તેમના બાળકોને આવા દૂષણોથી દૂર રહે તે માટે જાગૃત બનવા અપીલ કરી હતી.