હિન્દ ન્યુઝ, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
૧૨ માળની આ હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પુરી પાડવામાં આવશે.
ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની, લીવર, હૃદય, ફેફસાં, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ માટે ૧૨ એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ કે જેમાં, રોબોટીકસ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પુરી પાડવામાં આવશે. વિવિધ પ્રકારની ઓપીડી માટે લગભગ ૩૦ જેટલા કન્સલ્ટિંગ રૂમ અને વેઇટિંગ માટે વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ કેમ્પસ ગ્રીન અને સસ્ટેઇનેબલ બની રહે તે માટે સોલાર સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે અને પાંચ માળના પાર્કીંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે
