મોરબી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો ૨૮૫૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો; ખેડૂતોને કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, મોરબી 

       રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તાલુકાકક્ષાએ બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મોરબીના ૫ તાલુકામાં તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન બંને દિવસો દરમિયાન પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં તાલુકાદીઠ ૨ એમ કુલ ૧૦ મોડેલ ફાર્મની ૬૦૦ થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી હતી. મોરબી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવને સફળતા મળી છે, સમગ્ર કાર્યક્રમમાં અંદાજીત ૨૮૫૦ થી વધુ ખેડૂતો સહભાગી બન્યા હતા.

જિલ્લાના પાંચ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના બીજા દિવસે ખેતી અને સંબંધિત વિભાગ હેઠળ કુલ ૬૯ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ ખેતીવાડી ખાતા દ્વારા આયોજીત ડ્રોન ટેકનોલોજી પ્રત્યક્ષ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ પ્રત્યક્ષ પ્રદર્શન, ઇફકો, કૃભકો, જીએનએફસી, જીએસએફસી, જીજીઆરસીના, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, આરોગ્ય ખાતા વગેરેના સ્ટોલની સાથે પશુ આરોગ્ય કેમ્પનો પણ બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. ઉપરાંત ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત બહોળી સંખ્યામાં ખેડૂતોએ સેલ્ફ રજીસ્ટ્રેશન સેવાથી નોંધણી કરાવી હતી.

રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ખેતી સંશોધન કેન્દ્રોના તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી, મીલેટ્સ પાકોમાં મૂલ્યવર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને પાકોમાં મૂલ્ય વર્ધન, બાગાયતી પાકો સાથે મિક્ષ ફાર્મિંગ તેમજ પ્રિસિજન ફાર્મિંગ વગેરે વિષયો પર ખેડૂતોને અદ્યતન માહિતી આપવામાં આવી હતી. સ્થળ પર ખેડૂતોના પ્રશ્નો નિરાકરણ કરવામાં આવ્યું હતું તથા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ઉપાસ્થિત ખેડૂતો સાથે તેમના અનુભવોન અને જાણકારીનું આદાન-પ્રદાન કર્યું હતું.

Related posts

Leave a Comment