જામનગર જિલ્લાના છુટક અને જથ્થાબંધ માછલીના વેપારીઓ માટે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

     ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 ની કલમ- 6 (8) (ઘ) મુજબ જામનગર જિલ્લાના તમામ છુટક, જથ્થાબંધ માછલીના વેપારીઓ, મત્સ્યબીજના જથ્થાબંધ કે છુટક વેપારીઓ જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા સિવાય માછલીની ખરીદી કે વેચાણ કરી શકશે નહીં. તેથી અત્રેની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં માછલી વેચાણ કરતા તમામ છુટક કે જથ્થાબંધ વેપારીઓને માછલી વેચાણ માટેના લાયસન્સ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે.

તેમજ કલમ- 7 (26), (27) અને (28) મુજબ કોઈપણ પ્રોસેસિંગ પ્લાન્ટનો કોઈપણ માલિક કે કોઈ વેપારી ઓછા કદની માછલી ખરીદી શકશે નહીં. તેમજ કોઈપણ વ્યક્તિ માલ ઉતારવાના સ્થળથી, બજાર અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી ઓછા કદની માછલીની હેરફેર કરી શકશે નહીં. 

    આ ઉપરાંત, મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગરના પરિપત્ર અનુસાર જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તારીખ 31 જૂલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં થતી માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી મંજૂરી ધરાવતા કે મંજૂરી ના ધરાવતા કોઈપણ વેપારી આ સમયગાળા દરમિયાન માછલીનું વેચાણ કરી શકશે નહીં. તેમજ કોઈપણ બોટ દ્વારા ગેરકાયદેસર રીતે પકડેલી માછલી ખરીદી શકશે નહીં. ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 ના અમલીકરણ માટે નિયુક્ત કરવામાં આવેલા કોઈપણ અધિકારી માર્ગ, રેલવે દ્વારા અથવા બીજી કોઈપણ રીતે હેરફેર કરવામાં આવતા મત્સ્યબીજ, માછલી કે રવાના કરાયેલ માછલીના માલની વિશ્વાસપાત્રતા ચકાસવા માટે ચેકીંગ હાથ ધરી શકશે.

અત્રે જણાવેલ તમામ મુદ્દાઓનું જામનગર જિલ્લાના તમામ છુટક અને જથ્થાબંધ માછલીના વેપારીઓએ પાલન કરવાનું રહેશે. તેમજ આ સંદેશાનો બહોળી રીતે પ્રચાર- પ્રસાર કરવાનો રહેશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment